દિલ્હીમાં આઈએએસના વિદ્યાર્થીઓ લૂંટાય છે તેવો પત્ર લખી યુવતીની આત્મહત્યા
- મહારાષ્ટ્રના અકોલાની યુવતી દિલ્હીના રાજેન્દ્ર નગરમાં ગઈ હતી
- મમ્મી -પપ્પા મને માફ કરી દો તેવાં સંબોધન સાથે પત્રમાં કહ્યું, પીજી અને હોસ્ટેલમાં ઉઘાડી લૂંટ બંધ કરાવો, અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા છે
મુંબઇ : આઈએએસની તૈયારી કરવા દિલ્હીમાં રાજેન્દ્ર નગરમાં ગયેલી અકોલાની પચ્ચીસ વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી હતી. યુપીએસસીમાં ત્રણ વર્ષથી નિષ્ફળતા તથા વધતા ખર્ચના દબાણમાં તેણે આત્મહત્યા કરી હોવાનું મનાય છે. તેણે આત્મહત્યા પહેલાં માતાપિતાને સંબોધીને લખેલી ચિઠ્ઠીમાં દિલ્હીમાં આઈએસએસનું ભણવા દેશભરમાંથી આવતા વિદ્યાર્થીઓને લૂંટવામાં આવી રહ્યા હોવાની હૈયાવરાળ પણ ઠાલવી છે.
દિલ્હીના રાજેન્દ્ર નગરમાં એક હોસ્ટેલ રુમમાં આત્મહત્યા કરનારી પચ્ચીય વર્ષીય અંજલિએ તેના પત્રમાં લખ્યું હતું કે, મમ્મી પપ્પા મને માફ કરજો, હું હવે જીવનતી કંટાળી ગઈ છું. યુપીએસસીની તૈયારીં કરતા વિદ્યાર્થીઓ પર ઘણું પ્રેશર હોય છે. ત્યારે હોસ્ટેલમાં ફી વધારો કરીને લૂંટ ચલાવવામાં આવી રહી છે. અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરવા પડે છે. આત્મહત્યા અનો ે ઉકેલ નથી, પણ હું આ આત્યંતિક પગલું તેમ છતાં ભરી રહી છું. અહીં ઘણી સમસ્યાઓ છે. તેથી મારે શાંતિ જોઈએ છે. આ પત્રમાં યુવતીએ સરકારી નોકરીઓમાં પારદર્શિતા અને રોજગાર સર્જન વિશે પણ લખ્યું હતું.
યુવતીએ પત્રમાં પીજી અને હોસ્ટેલ ફીમાં મનસ્વી વધારા પર અંકુશ લગાવવા પણ કહ્યું છે. ઘણા વિદ્યાર્થીઓને આ વધેલા ફીના કારણે હોસ્ટેલ છોડવી પડે છે. તેઓ તેમના અભ્યાસમાં બરાબર ધ્યાન આપી શકતા નથી. તેથી પીજી અને હોસ્ટેલના ભાવમાં ઘટાડો થવો જોઈએ. તો મારા મૃત્યુ પછી મમ્મી પપ્પા મારા અવયવોનું દાન કરજો એમ તેણે જણાવ્યું હતું.
મૃતકના પિતા મહારાષ્ટ્ર પોલીસ ફોર્સમાં આસિસન્ટ સબ ઈન્સપેક્ટર છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર તા. પાંચમીએ તે હોસ્ટેલ છોડવાની હતી તે પહેલાં જ તેણે આ આત્યંતિક પગલું ભર્યું છે. ઉલ્લખનીય છે કે દિલ્હીમાં તાજેતરમાં એક આઈએએસ એકેડમીની બેઝમેન્ટમાં આવેલી લાયબ્રેરીમાં પાણી ભરાઈ જતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત બાદ રાજન્દ્ર નગરમાં ચાલતી હોસ્ટેલો, બેફામ ભાડાં સહિતના અનેક મુદ્દા સપાટી પર આવ્યા છે.