12 ઠગોની ગેન્ગે નકલી દસ્તાવેજોથી 200 ક્રેડિટ કાર્ડ મેળવી લીધાં

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
12 ઠગોની ગેન્ગે નકલી દસ્તાવેજોથી 200 ક્રેડિટ કાર્ડ મેળવી લીધાં 1 - image


દુકાન ભાડે રાખી તેને બધે સરનામાં તરીકે દેખાડી

બનાવટી આઈટી રીટર્ન, જાતજાતના સ્ટેમ્પ સહિતના દસ્તાવેજો જપ્તઃ હોમ લોન પણ મેળવીઃ લોકો સાથે લાખોની છેંતરપિંડી

મુંબઇ :  બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ક્રેડિટ કાર્ડ અને હોમલોન મેળવવા માટે બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને લાકોને છેતરીને બાર જણની ગેંગને ઝડપી લીધી છે. આરોપીઓમાં બે મહિલાનો સમાવેશ  છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

આ ટોળકીએ તેમનો સંપર્ક કરનારી જુદી જુદી વ્યક્તિઓના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા ૨૦૦  ક્રેડિટ કાર્ડ મેળવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૩એ મુંબઇના ભાંડુપ, મુલુંડ, કુર્લા અને વડાલા વિસ્તારમાંથી આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી બનાવટી આઇટીરિટર્ન, ટીડીએસ ફોર્મ, વીજળીના બિલ, સ્ટેમ્પ અને વિવિધ કંપનીઓના સીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ના સ્ટેમ્પ, ૧૦ સ્વાઇપ મશીન, ૫૬ સિમકાર્ડ, પેન કાર્ડ, આધાર કાર્ડ, ૧૪  મોબાઇલ ફોન અને રૃા. ૬૦ હજાર રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસ ફરિયાદ નોંધાવનાર એક પીડિતના જણાવ્યા મુજબ આરોપીએ તેને ક્રેડિટકાર્ડ, હોમ લોન અપાવવાનું વચન આપ્યું હતું અને તેના નામે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. ટોળકી ક્રેડિટ કાર્ડ અને હોમલોન  મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ફરિયાદી પાસેથી આશરે રૃા. ૪.૫૦ લાખ લીધા હતા. પરંતુ પછી ક્રેડિટ કાર્ડ કે લોન અપાવી નહોતી અને છેતરપિંડી કરી હતી. 

આ કેસની તપાસ કરતા પોલીસે સંપૂર્ણ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ગેંગે એક ફ્લેટ અને એક દુકાન ભાડા પર રાખી હતી. જેનો ઉપયોગ લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવા માગતા અરજદારોના ઘરના  અડ્રેસ તરીકે થતો હતો. એના દસ્તાવેજોથી આરોપીઓ સિમ કાર્ડ મેળવતા હતા. પછી એનો ઉપયોગ અરજદારના સંપર્ક નંબર તરીકે કરવામાં આવતો હતો.

આરોપી મહિલાઓ બેંકના અધિકારીઓને પોતાની ઓળખ લોન અથવા ક્રેડિટ કાર્ડની માંગણી કરનાર વ્યક્તિના કર્મચારી તરીકે આપતી હતી. બેંકની તપાસમાં તે સંબંધિત માહિતી પૂરી પાડતી હતી. આરોપીએ આપેલા એડ્રેસ પર ક્રેડિટ કાર્ડ મળ્યા બાદ સ્વાઇપ મશીનથી લાખો રૃપિયાનો વ્યવહારો કરતા હતા.

પોલીસે પકડેલા પ્રદીપ મોર્ય, ભાવેશ શિરશાટ અને ૨૯ વર્ષીય મહિલા સામે મુંબઇ અને નવી મુંબઇમાં છેતરપિંડીના કેસ દાખલ છે. આરોપીઓને કોર્ટેે પોલીસ કસ્ટડી આપી હતી.



Google NewsGoogle News