પુણેમાં પાર્સલ ફ્રોડ આચરતી રાજસ્થાનની ગેંગ ઝડપાઈ
ફ્રોડના નાણાં નાસિકના રીક્ષાચાલકના ખાતાંમાં જમા થતા હતા
90 સીમકાર્ડ, 60 ડેબિટ કાર્ડ, 15 આધાર કાર્ડ સહિત ઉપકરણો અને 2 એસયુવી કાર જપ્ત
મુંબઇ : કુરીયરમાં ડ્રગ્સ હોવાનું કહી પુણેવાસીઓને છેતરતી રાજસ્થાનના સાયબર ફ્રોડસ્ટરોની એક ટોળકીને પિંપરી-ચિંચવડ સાયબર પોલીસે પુણેના જ ઉંડ્રી, પિસોળી વિસ્તારમાંથી પકડી પાડી હતી. મૂળ રાજસ્થાનના જોધપુરથી આવેલી ચાર જણની આ ટોળકી અહીં ભાડેથી ઘર લઇને રહેતી હોવાનું જાણવા મલ્યું હતું.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર વાકડ પોલીસ મથકમાં એક યુવાને તેની સાથે કુરીયરમાં ડ્રગ્સ હોવાનું કહી ૧૨ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેને થોડા દિવસો પહેલા એક વ્યક્તિનો વોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો. આ વ્યક્તિએ ફેડેક્સ કુરીયરમાંથી બોલતો હોવાનું જણાવી તેણે જે પાર્સલ વિદેશ માટે મોકલ્યું છે તેમાંથી મુંબઇ કસ્ટમ વિભાગને ૧૦૦ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું.તેણે વધુમાં જણાવ્યું હતું કે પાર્સલ પર તેનું નામ અને આધાર નંબર લિંક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરિયાદને અન્ય એક વ્યક્તિનો કોલ આવ્યો હતો જેણે પોતે મુંબઇ નાર્કોટિક્સ વિભાગમાંથી બોલતો હોવાનું જણાવી ફરિયાદીને આમાંથી બચાવવા મદદ કરવાની તૈયારી બતાવી હતી. આ વ્યક્તિએ ક્લિયરન્સ સર્ટિફિકેટના નામે ફરિયાદી પાસેથી ૧૨.૨૨ લાખ રૃપિયા અલગ-અલગ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
આ બાબતે વાકડ પોલીસને ફરિયાદ મળ્યા બાદ પિપરી-ચિંચવડ સાયબર પોલીસની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ટેકનિકલ ઇન્પુટ અને જે ખાતામાં આ પૈસા જમા કરવામાં આવ્યાહતા તેની વિગત મેળવી હતી. આ તપાસમાં ગુનાના પૈસા જમા કરવા વપરાયેલ બેન્ક એકાઉન્ટ નાસિકના એક ગરીબ રિક્ષાચાલકનું હોવાનું જણાયું હતું ત્યાર બાદપોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે અમૂક વ્યક્તિ આ એકાઉન્ટમાંથી પૈસા કાઢે છે.
રાજસ્થાનના જોધપુરના વતની આ વ્યક્તિ ઉંડ્રી-પિસોળી વિસ્તારમાં રહેતા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ માહિતીના આધારે પોલીસે પિસોળી વિસ્તારમાં આવેલ આરવી ન્યુ સોસાયટીમાં છાપો માર્યો હતો અને મોહમ્મદ ઇલિયાસ કલાક (૩૬) મોહમ્મદ શાહિદ અહમદ અલી (૨૫) પુરણ સિંહ રતન સિંહ (૨૪) નાજીલ ખત્રી (૨૯) નામના મૂળ જોધપુરના ચાર પ્રોડસ્ટરોની ધરપકડ કરીહતી. આ લોકો પાસેથી પોલીસ ૧૮ મોબાઇલ, ૯૦ સીમકાર્ડ, લેપટોપ, ૬૦ એટીએમ/ ડેબિટકાર્ડ ૧૫ આધારકાર્ડ, ફોચ્યુનર અને સ્કોર્પિયો કાર આદિ જપ્ત કરી હતી. આ લોકોની તપાસમાં આ લોકો છેતરપિંડીથી મળેલા ગુનાના પૈસા દેશમાં વિવિધ સ્થળે અને વિદેશમાં મોકલી આપતા હોવાનું સ્પષ્ટ થયું હતું.