ગંદકી ફેલાવતા 53 હજાર લોકો પાસેથી 1.5 કરોડનો દંડ વસૂલાયો
સૌથી વધુ દંડ કોલાબામાં, સૌથી ઓછો મુલુંડમાં વસૂલાયો
શહેરના 24 વોર્ડમાં 858 ક્લિન અપ માર્શલ નિયુક્ત - કોલાબામાં સરકારી કચેરીઓ ઉપરાંત પર્યટન સ્થળોને કારણે વધુ દંડ
મુંબઇ : શહેરમાં ગંદકી ફેલાવતાં ૫૩ હજાર નાગરિકોને મુંબઈ મહાપાલિકાના ક્લિનઅપ માર્શલે દંડ ફટકારી તેમની પાસેથી દોઢ કરોડ રુપિયાની રકમ દંડ પેટે જમા કરી છે. સૌથી વધુ દંડ કોલાબા વિસ્તારમાંથી એટલે કે 'એ' વોર્ડમાંથી વસૂલાયો છે.
શહેરના ૨૪ વોર્ડમાં એપ્રિલથી ૮૫૮ માર્શલ્સ નિયુક્ત કરાયા છે. રસ્તા પર કચરો ફેંકવો, થૂંકવું, પેશાબ કરવો વગેરે માટે ૧૦૦ રુપિયાથી ૧૦૦૦ રુપિયા સુધીનો દંડ કરાય છે. 'એ' વોર્ડમાં ૧૫,૫૫૦ લોકો પર કાર્યવાહી કરી ૩૧.૩૩ લાખ રુપિયાનો દંડ વસૂલાયો. ત્યારબાદ મોટી કાર્યવાહી નેશનલ પાર્ક, ગોરાઈ વિસ્તારના 'આર મધ્ય' વોર્ડમાં થઈ. જ્યાં ૩,૬૧૩ જણ સામે કાર્યવાહી કરી ૧૪.૪ લાખના દંડની વસૂલી કરાઈ. ત્યારબાદ 'કે પૂર્વ' અંધેરી ભાગમાં ૧૧.૩૯ લાખની દંડની રકમ જમા થઈ. આર-દક્ષિણ (કાંદિવલી) વોર્ડમાં ૨૬૫૫ લોકો સામે કાર્યવાહી થકી ૧૦.૭૧ લાખ રુપિયાનો દંડ વસૂલાયો. મુલુન્ડના 'ટી' વોર્ડમાં અસ્વચ્છતાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. જ્યાં ૧૮૩ જણ સામે કાર્યવાહી કરી ૧.૪૧ લાખનો જ દંડ વસૂલાયો છે.
ક્લિન અપ માર્શલ્સ સૌપ્રથમ ૨૦૦૭માં નિયુક્ત થયા હતાં. પરંતુ બાદમાં સામાન્ય લોકોની તેમના પ્રત્યે નારાજગી અને ફરિયાદને કારણે ક્લિનઅપ માર્શલ્સની સર્વિસ બંધ કરાઈ હતી. જે ફરી શરુ કરાઈ છે. કોલાબાના 'એ' વોર્ડમાં અનેક સરકારી, ખાનગી ઓફિસો, ઉદ્યોજકોની ઓફિસો, મોટી હૉટેલ્સ, મંત્રાલય, મહાપાલિકા તથા પર્યટન સ્થળો હોવાથી અહીં લોકોની વધુ અવરજવર રહેતી હોય છે. આથી અહીં મોટા પાયે કાર્યવાહી થઈ છે. આ વોર્ડમાં પાલિકાએ ૧૧૨ માર્શલ તૈનાત કર્યાં છે.