પંઢરપુરમાં ખોવાયેલો કૂતરો 250 કિમી ચાલી માલિકને ઘરે પાછો ફર્યો
કૂતરો પાછો આવતા હાર તોરા કરી જમણવાર
કર્ણાટકથી માલિક સાથે ચાલીને પંઢરપુર વારીમાં આવેલો; માલિકે વિઠ્ઠલરાયાનો ચમત્કાર ગણાવ્યો
મુંબઇ : કર્ણાટકના બેલગાવી જિલ્લાના નિપાની તાલુકાના યમગરની ગામમાં એક આશ્ચર્યકારક ઘટના સામે આવી છે. 'મહારાજ'ના નામે ઓળખાતો એક કૂતરો મહારાષ્ટ્રના પંઢરપુરમાં ભીડમાં ખોવાઈ ગયો હતો તે એકલો ૨૫૦ કિલોમીટર ચાલીને પોતાના મૂળ ગામમાં ફરી પાછો પહોંચ્યો હતો. જેના માનમાં કૂતરાંના હારતોરા કરી ગામમાં ભોજન પણ રખાયું હતું.
જૂનના છેલ્લા સપ્તાહે, 'મહારાજ'ના માલિક કમલેશ કુંભાર પંઢરપુરની વાર્ષિક વારી (જાત્રા)એ નીકળ્યા હતા. ત્યારે આ કૂતરો પણ તેમની સાથે ચાલવા લાગ્યો હતો. કુંભારના જણાવ્યાનુસાર, દરવર્ષે તેઓ અષાઢી અને કાર્તિકી એકાદશીએ પંઢરપુર જાય છે. આ વર્ષે તેમની સાથે કૂતરો પણ ગયો હતો. તેને ભજન સાંભળવા પણ પસંદ છે. ૨૫૦ કિમીની જાત્રા કરી કૂતરો માલિક સાથે પંઢરપુર પહોંચ્યો અને વિઠોબા મંદિરના દર્શન કર્યા બાદ કુંભારનું ધ્યાન ગયું કે, તેમનો કૂતરો ખોવાયો છે. તેઓ તેમના મિત્રો સાથે જ્યારે કૂતરાંને શોધવા લાગ્યાં તો કેટલાંકે કહ્યું કે, તે તો અન્ય કૂતરાંઓના જૂથમાં ભળી ગયો અને ચાલવા લાગ્યો હતો.
કુંભારે કહ્યું, મારા ઘણાં શોધવાના પ્રયાસો બાદ પણ તે ન મળતાં મેં પણ માની લીધું કે તે અન્ય શ્વાન સાથે ચાલ્યો ગયો હશે અને બાદમાં ૧૪ જુલાઈએ હું પણ ઘરે આવી ગયો અને બીજે જ દિવસે 'મહારાજ' પૂછડી પટપટાવતો મારા ઘરની સામે એવી રીતે ઊભો હતો કે જાણે કંઈ થયું જ ન હોય. ઘરથી આશરે ૨૫૦ કિલોમીટર દૂર ખોવાયેલા કૂતરાંનું પાછા આવવું એ એક ચમત્કાર જ છે. અમારું માનવું છે કે, ભગવાન પાંડુરંગે જ તેને ઘરનો રસ્તો બતાવ્યો હશે.