ડોક્ટરે મગાવેલા આઈસક્રિમના કોનમાંથી માનવ અંગુઠો મળ્યો
અખરોટ માની મોઢામાં નાખ્યો પછી ખ્યાલ આવ્યો કે આ તો અંગુઠાનો ટૂકડો છે
મલાડના ડોક્ટર્રે એપ દ્વારા યુમ્મો કંપનીમાંથી બટરસ્કોચ આઈસક્રિમ મગાવ્યો હતોઃ દોઢ સેમીનો ટૂકડો થેલીમાં લઈ પોલીસ મથકે પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી
મુંબઈ : જમ્યા બાદ નિરાંતે આઈસ્ક્રીમ ખાવાની મજા મુંબઈના એક ડોક્ટર માટે સજા બની ગઈ હતી. કારણ કે આ ડોક્ટરે આઈસ્ક્રીમનો અડધો કોન ખાઈ લીધા બાદ તેમાં અંદરથી કપાયેલો માનવ અંગૂઠો મળી આવ્યો હતો. આ રીતે આઈસ્ક્રીમના કોનમાંથી કપાયેલો માનવ અંગૂઠો નીકળતા ડોક્ટર ચોંકી ઉઠયા હતા અને તેમણે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી ડો. બ્રેન્ડન ફેરાઓ (૨૬) એમબીબીએસની ડિગ્રી ધરાવે છે અને મલાડમાં રહે છે. તેમની ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું ક બુધવારે બપોરે ે તેમણે ઈ- કોમર્સ એપ દ્વારા યુમ્મો કંપનીમાંથી બટરસ્કોચ આઈસ્ક્રીમ કોન મંગાવ્યો હતો. લંચ કર્યા બાદ આઈસ્ક્રીમ ખાતે વખતે અડધો આઈસ્ક્રીમ ખાઈ લીધા બાદ કોનમાંથી ખીલ્લા સાથેનો કપાયેલો માનવ અંગૂઠો મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને ફેરાઓને આઘાત લાગ્યો હતો.
પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહેલા ડોક્ટરે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ અંગે ફરિયાદ કરી આઈસ્ક્રીમ કંપની સામે આ મામલો ઉઠાવ્યો હતો. જોકે ડોક્ટરને તેમના તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ ફરિયાદી ડોક્ટરે કપાયેલો અંગૂઠો બરફની એક થેલીમાં મૂક્યો હતો અને તેને સાથે લઈ તેઓ મલાડ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમણે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ડોક્ટરની ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ ૨૭૨ (વેચાણ માટે બનાવેલ ખોરાક અથવા પીણામાં ભેળસેળ)૨૭૩ (હાનિકારક ખોરાક અને પીણાનું વેચાણ) અને ૩૩૬ (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકે તેવું કૃત્ય) હેઠળ યુમ્મો આઈસ્ક્રીમ કંપની સામે કેસ નોંધ્યો હતો. આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આઈસ્ક્રીમમાંથી નીકળેલો માંસનો ટુકડો માનવ આંગળીનો કપાયેલો ભાગ છે કે કેમ તે જાણવા માટે તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
આ ઘટના વિશે મીડિયાને વધુ વિગત આપતા ફરિયાદીએ જણાવ્યું હતું કે આઈસ્ક્રીમ ખાતી વખતે તેને મોઢામાં એક મોટો ટુકડો આવ્યો હતો. શરૃઆતમાં તેને આ અખરોટનો ટુકડો હોવાનું લાગ્યું હતું. પરંતુ તેને કાંઈક ખોટુ હોવાની શંકા ગઈ હતી. તેથી મોઢામાંથી આ ટુકડો બહાર કાઢી તપાસતા તે માંસનો ટુકડો અને વધુ બારીકાઈથી નજર ફેરવતા તે કપાયેલો માનવ અંગૂઠો હોવાનું જણાયું હતું. ડોક્ટર હોવાથી તે માનવ અંગોને સારી રીતે જાણે છે અને તેણે શોધી કાઢયું હતું કે તેને જે માંસનો ટુકડો મળ્યો તે ખરેખર કપાયેલા માનવ અંગૂઠો હતો. ડોક્ટરોએ માધ્યમોને જણાવ્યું હતું કે આ રીતે આઈસ્ક્રીમમાં માનવ અંગનો ટુકડો મળી આવતા તેણે રીતસર ધૂ્રજી ઊઠયા હતા. આ વાતથી ડોક્ટરને જોરદાર આઘાત લાગ્યો હતો.
આ સંદર્ભે વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર રવિન્દ્ર અદાનેએ જણાવ્યું હતું કે નખ સાથે મળી આવેલો આ માંસનો ટુકડો લગભગ દોઢ સેન્ટિમીટર હોવાનું માનવામાં આવ્યું હતું. આ બાબતે કેસ નોંધાયા પછી પોલીસે આઈસ્ક્રીમ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તે ક્યારે અને ક્યાં બનાવવામાં આવ્યો હતો તેની તપાસ હાથ ધરી છે.