મુંબઈમાં દિપોત્સવ, રોશની અને આતશબાજી સાથે દિવાળી જેવો માહોલ

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
મુંબઈમાં દિપોત્સવ, રોશની અને આતશબાજી સાથે દિવાળી જેવો માહોલ 1 - image


અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાથી મુંબઈગરા ભાવવિભોર

અનેક સ્થળે ભગવાન રામને દર્શાવતી રંગોળીઓ તથા વોલ પેઇન્ટિંગ, મંદિરો દિવસભર રામધૂમ તથા ભજનોથી ગાજતાં રહ્યાં

મુંબઇ :  અયોધ્યામાં રામ લલાની વાજતેગાજતે અને ભારે ધામધૂમ સાથે પ્રાણ પ્રતિષ્ઠા થતાંં મોહમયી નગરી પણ ભાવવિભોર બની ગઈ હતી. મોહમયી નગરીમાં ઠેર ઠેર દિપોત્સવ અને આતશબાજી તથા રોશની સાથે દિવાળી જેવો માહોલ રચાયો હતો. વાસ્તવમાં ગઈકાલે રાતે બારના ટકોરે કેલેન્ડરમાં જ્યારે ૨૨મી તારીખ બદલાઈ ત્યારથી જ આતશબાજીનો સિલસિલો શરુ થયો હતો. આજે બપોરે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ કે તરત જ ફરી આતશબાજી શરુ થતાં ભરબપોરે પણ મુંબઈના વિવિધ માર્ગો ગાજી ઉઠયા હતા. આજે રાતે ફરી આ ફટાકડા ફોડવાનો સિલસિલો શરુ થયો હતો. 

પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મુંબઈના તમામ જાણીતાં મંદિરોમાં વિશેષ રોશની, ભજનો તથા ઉત્સવના કાર્યક્રમો યોજાયા હતા. વડાલાના રામ મંદિરમાં મહિલાઓ આખો દિવસ રામ ધૂમ તથા રામ ભજનોની રમઝટ બોલાવી હતી. મુખ્ય મંદિરો પર રોશની થઈ હતી અને સાંજ પછી મંદિરો પાસે એકઠા થયેલા લોકોએ ફટાકડા ફોડીને તથા મિઠાઈઓ વહેંચીને ઉલ્લાસ માણ્યો હતો. 

બપોરે પ્રાણ  પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ મુંબઈમાં ઠેર ઠેર ઢોલ, નગારાં અને બેન્ડ વાજા સાથે રથયાત્રાઓ યોજાઈ હતી. લોકોએ માર્ગો પર પુષ્પો વેરતાં વેરતાં તથા ફટાકડા ફોડતાં ફોડતાં પરસ્પર સૌને રામનાં અયોધ્યામાં પુનરાગમનની વધામણી આપી હતી. ટ્રેડિશનલ વસ્ત્રો તથા કેસરી સાફાઓમાં સજ્જ લોકોએ જય શ્રી રામના નારા સાથે રસ્તા ગજાવ્યા હતા.  ટ્ વ્હીલર પર ભગવાન શ્રી રામને  દર્શાવતી ધજાઓ સાથે યુવાનો દિવસભર આમથી તેમ ફરતા રહ્યા હતા. 

અનેક સ્થળે જાહેર રસ્તાઓ પર  ભગવાન રામના જાયન્ટ કટઆઉટ મુકી ત્યાં પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને વિશેષ આરતી યોજવામાં આવી હતી. 

દિવાળી વખતે જેમ રંગોળીઓ રચાય છે તેમ તળ મુંબઈની અનેક ચાલીઓના પ્રાંગણમાં કે સોસાયટીઓના  મેદાન કે અન્ય સ્થળે ભગવાન શ્રી રામને દર્શાવતી  રંગોળીઓ રચાઈ હતી. સાયનમાં કોલીવાડા ખાતે દસ હજાર ચોરસ ફૂટની વિરાટ રંગોળીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક વિસ્તારોમાં કલાકારોએ દિવાલ પર ભગવાન શ્રી રામને રેખાંકિત કર્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠાનો આનંદ વ્યક્ત કર્યો હતો. 

મુંબઈની મોટાભાગની સોસાયટીઓએ આજે જાહેર ઉત્સવ મનાવ્યો હતો. દિવસભર પૂજા, હવન સહિતના કાર્યક્રમો બાદ સાંજ ે સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનાં આયોજનો થયાં હતાં. 

મહારાષ્ટ્ર સરકારે રજા જાહેર કરી હોવાથી માર્ગો પર પ્રમાણમાં ઓછી ભીડ જોવા મળી હતી. સવારના રશ અવર્સને બાદ કરતાં લોકલ ટ્રેનોમાં પણ પાંખી ભીડ જોવા મળી હતી. જોકે, રેલવે પ્લેટફોમ્પ્સ પર પણ લોકો સામસામે જય શ્રી રામના પોકારો સાથે એકમેકનું અભિવાદન કરતા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.



Google NewsGoogle News