ખાર રજિસ્ટ્રાર ઓફિસમાં દિવ્યાંગ યુવતીએ લગ્ન માટે 2 માળ ચઢવા પડયા

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
ખાર રજિસ્ટ્રાર ઓફિસમાં દિવ્યાંગ યુવતીએ લગ્ન માટે  2 માળ ચઢવા પડયા 1 - image


સરકારી ઓફિસો જ દિવ્યાંગો માટે સુગમ્ય નથી

કોઈએ મદદ ન કરીઃ અધિકારીઓ માત્ર સહી લેવા નીચે પણ ન ઉતર્યાઃ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થતાં ફડણવીસે માફી માગી

મુંબઈ :  ભારતમાં ઘણીવાર દિવ્યાંગોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેવો જ એક કિસ્સો મુંબઈમાં પણ બન્યો છે. મુંબઈમાં વ્હીલચેર પર ચાલતી એક દિવ્યાંગ મહિલા લગ્ન માટે રજીસ્ટ્રાર ઓફિસમાં ગઈ તો તેને લિફ્ટ વગરની એ ઓફિસમાં બે માળ ચઢીને જવું પડયું હતું. આ  દરમ્યાન તેને કોઈએ મદદ પણ કરી ન હતી. આ વાતનો આક્રોશ તેણે સોશિયલ મીડિયા પર ઠાલવતાં તુરંત જ રાજ્યના ઉપમુખ્યમંત્રીએ ટ્વિટ દ્વારા તેને થયેલી પરેશાની બદ્દલ માફી માગી સંબંધિત સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.

દિવ્યાંગોના  અધિકાર માટે લડતી વિરાલી મોદીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, 'હ દિવ્યાંગ  છું અને મારા લગ્નની નોંધણી  માટે હું  ૧૬/૧૦/૨૩ ના ખાર મુંબઈ સ્થિત રજીસ્ટ્રાર કાર્યાલયમાં   ગઈ હતીં.  આ ઓફિસ લિફ્ટ વિનાની બિલ્ડીંગમાં બીજે માળે આવેલી છે. વિનંતી છતાં પણ અધિકારીઓ સહી લેવા માટે નીચે આવવા તૈયાર થયા ન હતા અને  મારે  લગ્ન કરવા માટે દાદર ચડી જવું પડયું. દાદર એકદમ ઊભા ચઢાણના હતા અને તેની રેલિંગ ખૂલ જ ઢીલી અને કાટ લાગેલી હતી. ન કોઈ મદદ માટે આગળ આવ્યું તો ન કોઈએ મારા માટે કોઈ વ્યવસ્થા કરી,હતી. '

તેણે આગળ લખ્યું હતું કે, સુગમ્ય ભારત અભિયાનનું શું થયું? ે હું વ્હીલચેર વાપરું છું એટલા ખાતર જ શું મને અધિકાર નથી કે હું મારી મનગમતી વ્યક્તિ જોડે પરણી શકું? જો કોઈ લપસી પડયું હોત કે મારા લગ્નના દિવસે હું પડી ગઈ હોત તો જવાબદાર કોણ હોત? મારા દેશે મારી અને લાખો દિવ્યાંગોની જરુરિયાતોને પૂરી કરવી જોઈએ. હું એ વાતથી દુઃખી છું કે મારા દેશની સરકાર અને નાગરિકો મારી િ દવ્યાંગતા માં મારી મદદ માટે તૈયાર નથી.  આ ઘટના બાદ મારો માનવતા પરથી વિશ્વાસ ઊઠી ગયો છે.

વિરાલીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અનેક લોકોએ સંખ્યાબંધ સરકારી ઓફિસોમાં દિવ્યાંગો તો ઠીક પરંતુ સિનિયર સિટિઝન્સ માટે પણ યોગ્ય વ્યવસ્થાઓ નહીં હોવા બાબતે આક્રોશ ઠાલવ્યો હતો. 

આ પોસ્ટનો તરત જ પડઘો પડયો હતો. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિરાલીને જવાબ આપતાં કહ્યું હતું કે હું તમને લગ્નની શુભકામનાઓ પાઠવું છું. પરંતુ, તમને થયેલી તકલીફ બદલ હું તંત્ર વતી માફી માગું છું. હું તમને વ્યક્તિગત ખાતરી આપું છું કે આ સમગ્ર ઘટનાક્રમની મેં વ્યક્તિગત રીતે નોંધ લીધી છે અને હું જાતે ફોલો અપ કરીશ. સંબંધિત અધિકારીઓ સામે પણ તત્કાળ કાર્યવાહી કરવામાં આવશે એની ખાતરી આપું છું.



Google NewsGoogle News