યુનિ.કાલિના કેમ્પસની બોયઝ હૉસ્ટેલમાં નૂડલ્સમાં વાંદો મળ્યો
કોન્ટ્રાક્ટર બદલ્યા છતાં સ્થિતિ બદલાઈ નહીં
1 જ વિદ્યાર્થીની વારંવાર ફરિયાદ આવતી હોવાથી હવે તેની પૂછપરછ કરીશું : અધિકારી
મુંબઇ : મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની કર્મવીર ભાઉરાવ પાટીલ બોય્સ હૉસ્ટેલમાં બુધવારે રાત્રે એક વિદ્યાર્થીને નૂડલ્સમાં વાંદો મળી આવ્યો હતો. જેને કારણે યુનિવર્સિટીની હૉસ્ટેલની મેસની સ્વચ્છતા બાબતે પ્રશ્ન નિર્માણ થયો છે.
હૉસ્ટેલના વિદ્યાર્થીનું આ બાબતે કહેવું છે કે, હૉસ્ટેલની મેસ અસ્વચ્છ હોવાને કારણે ઘણીવાર ભોજનમાં માખી, પ્લાસ્ટિક કે રબર બેન્ડ, નાયલૉનનો દોરો અને હવે તો વાંદો પણ મળી આવે છે. પરંતુ ફરિયાદ કરીએ તો તેની અસર શૈક્ષણિક વર્ષ પર થશે, એવા ભયથી વિદ્યાર્થીઓ લેખિતમાં ફરિયાદ કરતાં નથી. ઓસીના અભાવે હૉસ્ટેલની ભોજનશાળા બાબતે અધિકૃત ટેન્ડર પણ કઢાયા નથી. એફડીએની ટીમે તાજેતરમાં જ હૉસ્ટેલની ભોજનશાળાની મુલાકાત લઈ અન્નના નમૂના તપાસ માટે લીધા હતાં. જોકે હજી તેનો કોઈ રિપોર્ટ આવ્યો નથી.
આ બાબતે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ઈન્ચાર્જ જે હૉસ્ટેલનું કામકાજ સંભાળે છે, તેમના જણાવ્યાનુસાર, બોય્સ હૉસ્ટેલની માગણીનુસાર હૉસ્ટેલમાં અનાજ પૂરું પાડતો કોન્ટ્રાક્ટર પણ બદલાયો છે. પરંતુ આ બાબતે એક જ વિદ્યાર્થી વારંવાર ફરિયાદ કરે છે. તેની સાથે અમુક વિદ્યાર્થીઓ જોડાયેલાં છે. યુનિવર્સિટીને બદનામ કરવા તેઓ આમ કરી રહ્યા છે. આથી એ વિદ્યાર્થીની પૂછપરછ કરીશું અને હૉસ્ટેલમાં એફડીએએ આવીને તપાસ કરવી, એવી અમે તેમને પણ પત્ર દ્વારા વિનંતી કરી છે. વિદ્યાર્થીઓને સારામાં સારું ભોજન મળે એ અમારી જવાબદારીમાં આવે છે, તે પાળવા અમે પ્રયત્નશીલ છીએ.