કોચિંગ ક્લાસના સંચાલકે શેરમાં નફાની લાલચે 1.88 કરોડ ગુમાવ્યા
વ્હોટ એપ ગૂ્રપમાં સામેલ કરી શીશામાં ઉતાર્યા
એપ દ્વારા રોકાણ કરી જંગી નફાના આંબાઆંબલી બતાવ્યાં : સેબીનું સર્ટિફિકેટ હોવાનું પણ દર્શાવ્યું
મુંબઇ : શેર ટ્રેડિંગ વોટસ એપ ગુ્રપમાં જોડાયા બાદ કોચિંગ ક્લાસના ૪૮ વર્ષીય માલિક સાથે રૃા. ૧.૮૮ કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. ઉલ્હાસનગરના વિઠ્ઠલવાડી પોલીસે કલમ ૪૨૦ હેઠળ કેસ નોંધી સાયબર ઠગ ગેંગને પકડવા ચક્રા ેગતિમાન કર્યા છે. તેમને એક એપ દ્વારા રોકાણ કરીને ઉચ્ચ વળતરના સ્વપ્ન દાખવવામાં આવ્યા હતા એમ પોલીસે બુધવારે જણાવ્યું હતું.
ફરિયાદીએ પોલીસને કહ્યું હતું કે એક અજાણી વ્યક્તિએ તેને માર્ચ મહિનામાં 'સ્ટૉક વેનગાર્ડ એફ' નામના વોટસએપ ગુ્રપમાં સામેલ કર્યો હતો. આ ગુ્રપમાં ૧૭૦ મેમ્બર હતા. શેર ટ્રેડિંગ વિશેની સલાહ ગુ્રપમાં પોસ્ટ કરવામાં આવતી હતી.
ફરિયાદીને તેમની સલાહ વિશ્વાસપાત્ર લાગી હતી તેમણે આરોપીએ ભલામણ કરેલી શેરોમાં રોકાણ કર્યું હતું. ત્યારબાદ તેમને વોટસએપમાં 'સ્ટોક વેનગાર્ડ- વીઆઇપી' ગુ્રપમાં સામેલ કરવામાં આવ્યા હતા.
આ સિવાય ઇશા, દિવ્યા અને રાજ રૃપાણી તરીકે પોતાની ઓળખ આપનારી ત્રણ વ્યક્તિએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. તેમનો વિશ્વાસ મેળવવા માટે સાયબર ટોળકીએ કોઇ પ્રકારનું 'સેબી સર્ટીફિકેટ' બતાવ્યું હતું. આમ આરોપીઓએ તેમને જાળમાં ફસાવ્યા હતા. કોચિંગ ક્લાસના માલિકને એક એપ દ્વારા મોટા પ્રમાણમાં નફો કમાઇ શકે છે એવું આરોપીઓએ કહ્યું હતું.
આથી ફરિયાદીએ રૃા. ૧.૮૮ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. થોડા સમય બાદ તેમણે પોતાના પૈસા પાછા માગ્યા હતા. પરંતુ આરોપીઓએ કોઇ જવાબ આપ્યો નહોતો. આથી છેવટે વિઠ્ઠલવાડી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી પોલીસે ૪૨૦ અને અન્ય કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો. પરંતુ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.