ગોરેગાંવમાં સોસાયટીના ગાર્ડનમાં વીજ કરંટથી બાળકનું મોત
- ગાર્ડનમાં ખુલ્લો વીજ વાયર પડયો હતો
- બાળકના પિતા દ્વારા સોસાયટીના પ્રેસિડેન્ટ, સેક્રેટરી સહિત ચાર સામે ફરિયાદ
મુંબઇ : ગોરેગાવ (ઇ)ની એક રહેણાંક સોસાયટીમાં ખુલ્લા વિદ્યુત વાયરના સંપર્કમાં આવી જવાથી એક નવ વર્ષના બાળકનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું.
આ સંદર્ભે દિંડોશી પોલીસ સ્ટેશનમાં મૃત બાળકના પિતાની ફરિયાદના આધારે સોસાટીના પ્રમુખ , મંત્રી સહિત ચાર હોદ્દેદારો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આ સંદર્ભે પોલીસે નોંધેલ એફઆઇઆર મુજબ સાંજે ૭.૩૦ વાગ્યે નવ વર્ષનો બાળક આર્યવીર સોસાયટીના ગ્રાઉન્ડ ફલોર પર આવેલ ગાર્ડનમાં રમવા ગયો હતો આ સમયે અહીં ખુલ્લા વિદ્યુત વાયરના સંપર્કમાં આવી જવાથી તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
આ ઘટના બાદ બાળક આર્યવીરના પિતા અજય ચૌધરી (૩૫) એક વ્યક્તિની મદદથી તેને ગોકુલધામ ગોરેગાવ (ઇ)ની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોકટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી. પુત્ર ગુમાવવાના આઘાત અને દુઃખને કારણે અજય પોલીસને તાત્કાલિક નિવેદન આપી શક્યા નહોતા.
૧૩ એપ્રિલના રોજ તેણે ઔપચારિક રીતે સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને કેરટેકર સામે આઇપીસીની કલમ ૩૦૪એ (બેદરકારીથી મૃત્યુ) હેઠળ કેસ દાખલ કર્યો હતો.