અરુણ ગવળીને મુદત પૂર્વે છુટકારો આપતા આદેશને સુપ્રીમમાં પડકાર

Updated: May 24th, 2024


Google NewsGoogle News
અરુણ ગવળીને મુદત પૂર્વે છુટકારો આપતા આદેશને સુપ્રીમમાં પડકાર 1 - image


હાઈ કોર્ટના આદેશ સામે રાજ્ય સરકારની સુપ્રીમમાં અપીલ

ગવળી સામેનો આદેશ ચાર મહિના સ્થગિત રાખવાની અરજી પર હાઈ કોર્ટે એક મહિનાની મુદત આપી

મુંબઈ છ  કુખ્યાત ગેન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળીનો મુદત પૂર્વે છુટકારો કરવાના બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચના આદેશને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈ કોર્ટના  ન્યા. વિનય જોશી અને ન્યા. વૃશાલી જોશીની બેન્ચે અરુણ ગવળીએ કરેલી ફોજદારી અરજીને પાંચ એપ્રિલે માન્ય કરી હતી. ગવળીએ ૧૦ જાન્યુઆરી ૨૦૦૬ના સરકારી જાહેરનામા અનુસાર મુદત પૂર્વે છુટકારો આપવાનો દાવો કરતી અરજી કરી હતી.  

મુંબઈના અગાઉની શિવસેનાના નગર સેવક કમલાકર જામસાંડેકર હત્યા કેસમાં ગવળીને જન્મટીપની સજા થઈ હતી. ગવળી નાગપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હતો.

ગવળીના વકિલ નગમાન અલીએ જણાવ્યા અનુસાર સરકારે નવમી મેના રોજ નાગપુર બેન્ચ સમક્ષ અરજી કરીને ગવળીને વધુ ચાર મહિના જેલમાં રાખવાનો આદેશ આપીને ચુકાદો મોકૂફ રાખવાની દાદ માગી હતી. સરકારે કોર્ટને જણાવ્યું હતુંં કે તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.હાઈ કોર્ટે સરકારની અરજી નકારીને એક મહિના સુધી આદેશ મોકૂફ રાખીને છેલ્લી તક આપશે એમ જણાવ્યું હોવાનું અલીએ  માહિતી આપી હતી.

૨૦૦૬નો સરકારી નિર્ણય અનુસાર ૬૫ વર્ષ પૂર્ણ થયેલા અશક્ત, મોટાભાગની સજા ભોગવી ચૂકેલા કેદીને શિક્ષામાં રાહત મળે છે. આ અનુસાર અરુણ ગવળીની સજામાંથી મુદત પૂર્વે છુટકારો મેળવવાની માગણી કરી હતી. ૨૦૦૬ના સરકારી પરિપત્રક અનુસાર જન્મટીપની સજા થયેલા કેદીને ૧૪ વર્ષનો જેલવાસ પૂર્ણ કર્યા બાદ તેમ  જ ૬૫ વર્ષથી વધુ વય ધરાવનાર કેદીને મુક્ત કરી શકાય છે.

ગવળીનો જન્મ ૧૯૫૫માં થયો હોવાથી તેની વય ૬૯ છે. જામસાંડેકરની હત્યાના કેસમાં ૨૦૦૭થી તે જેલમાં હોવાથી સોળ વર્ષથી જેલમાં છે. ૨૦૦૬ના મહારાષ્ટ્રના પરિપત્રક અનુસાર છુટકારા માટે બંને શરતો ગવળીએ પૂર્ણ કરી છે. આથી કોર્ટે તેને મુદત પૂર્વે છોડવાનો નિર્ણય આપ્યો હતો.

કમલાકર જામસાંડેકરનો તેના વિસ્તારના સદાશિવ સુર્વે નામના શખસ સાથે મિલકત વિવાદ હતો. સદાશિવે ગવળીના હસ્તકો મારફત સુપારી આપી હતી. બીજી માર્ચ ૨૦૦૭ના રોજ સાંજે જામસાંડેકરના ઘરે તેના પર ગોળીબાર કરીને હત્યા કરાઈ હતી.  


Google NewsGoogle News