નાંદેડ હોસ્પિટલના ડીન તથા તબીબો સામે સદોષ માનવવધનો ગુનો

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
નાંદેડ હોસ્પિટલના ડીન તથા તબીબો સામે સદોષ માનવવધનો ગુનો 1 - image


દર્દીઓનાં ટપોટપ મોતના કેસમાં પોલીસની કાર્યવાહી

ડીન તથા ડોક્ટરોએ સમયસર યોગ્ય સારવાર ન કરતાં  નવજાત અને તેની માતાનું મૃત્યુ થયું હોવાની 1 ખેડૂતની ફરિયાદ

મુંબઈ :  નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ૩૧ દર્દીઓના મોત થતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે હોસ્પિટલના ડીન અને ડોક્ટર સામે એફઆઇઆર નોંધી હતી. આ લોકો સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સંદર્ભે એક અધિકારીએ જણાવ્યું હતું કે નાંદેડની ડો. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કામાજી ટોમ્પે નામના ખેડૂતની  પુત્રી અને તેનું નવજાત બાળક મૃત્યુ પામતા તેમણે ફરિયાદ કરી હતી તેના આધારે હોસ્પિટલના કાર્યકારી ડીન એસ. આર. વોકાડે અને હોસ્પિટલના મુખ્ય બાળરોગ નિષ્ણાત સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ લોકો સામે આઇપીસીની કલમ ૩૦૪ (સદોષ માનવવધ) અને ૩૪ (સમાન ઇરાદો) હેઠળ ગુનો નોંધાયો છે.

નાંદેડના ખેડૂત ટોમ્પેએ ફરિયાદમાં  જણાવ્યું હતું કે તેની   ૨૨ વર્ષીય પુત્રી અંજલિ વાઘમારની પ્રસૂતિ નજીક આવી હોવાથી પ્રથમ તેને પ્રાથમિક ઉપચાર કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. અહીંથી ડોક્ટરોએ તેને ઉપ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને અહીંના ડોક્ટરોના કહેવાથી અંજલિને ૩૦ સપ્ટેમ્બરના રોજ ડો. શંકરરાવ ચવ્હાણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  પહેલી  ઓક્ટોબરના રોજ અંજલિએ બાળકને જન્મ આપ્યો હતો. આ સમયે અંજલિ અને તેના નવજાત શિશુની તબિયત સારી હતી. જોકે થોડા કલાકો બાદ ડોક્ટરોએ જણાવ્યું હતું કે અંજલિની તબિયત કથળી રહી છે અને તેને રક્તસ્રાવ થઈ રહ્યો છે. ડોક્ટરોએ અમને લોહીની જરૃર હોવાથી તે એરેન્જ કરવા જણાવ્યું હતું. જ્યારે અમે લોહીની વ્યવસ્થા કરી અને તે આપવા ગયા ત્યારે વોર્ડમાં કોઈ કર્મચારી હાજર નહોતો.

ટોમ્પેના જણાવ્યા મુજબ તેઓ ડો. વાકોડેને મળ્યા હતા અને જણાવ્યું હતું કે તેમની પુત્રીને એટેન્ડ કરવા વોર્ડમાં કોઈ ડોક્ટર કે સ્ટાફ હાજર નથી. જોકે આ સમયે લાંબા સમય સુધી મને પ્રતીક્ષા કરાવવામાં આવી હતી. જોકે તેમ છતાં કોઈ ડોક્ટર કે સ્ટાફને મોકલવામાં આવ્યા નહોતા. જ્યારે ડોક્ટર વાકોડેને મળી ફરી રજૂઆત કરવામાં આવી ત્યારે મને ભગાડી મૂકવામાં આવ્યો હતો. આ લોકોએ મને મારી પુત્રી કે તેના નવજાતને મળવા પણ દીધો નહોતો. તેમણે એવો પણ આરોપ કર્યો હતો કે તેમને પુત્રીને કે તેના નવજાતને કોઈ સારવાર આપવામાં આવી નહોતી.

ટોમ્પેએ વધુમાં જણાવ્યું હતું કે તેમની પુત્રીની હાલત નાજુક હોવા છતા ડોક્ટર, નર્સ કે પછી હોસ્પિટલના અન્ય કોઈ સ્ટાફને તેની સારવાર માટે મોકલવામાં આવ્યા નહોતા. ટોમ્પે અનુસાર બીજી  ઓક્ટોબરના નવજાતનું મૃત્યુ થયું હતું. જ્યારે તેના બે દિવસ પછી ચોથી  ઓક્ટોબરના રોજ તેમની પુત્રી પણ મરણ પામી હતી. ટોમ્પેના પુત્રએ એવો આરોપ કર્યો હતો કે આ બન્નેના મૃત્યુના કારણ પણ તેમને જણાવવામાં આવ્યા નહોતા.

નાંદેડ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે નાંદેડ હોસ્પિટલમાં દર્દીઓનાં ટપોટપ મોતનો મામલો રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાનો વિષય બન્યો છે. મહારાષ્ટ્ર સરકારે સમગ્ર ઘટના અંગે તપાસ શરુ કરી છે. બીજી તરફ હો સ્પિટલના ડીન પાસે ટોઈલેટ સાફ કરાવનારા શિવસેનાના સાંસદ હેમંત પાટીલ સામે ડીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના બીજા જ દિવસે ખુદ ડીન સામે પણ ફરિયાદ નોંધાઈ છે.



Google NewsGoogle News