લોરન્સ બિશ્નોઈના નામથી બૂક થયેલી કેબ સલમાનના ઘરે પહોંચી
સલમાન ખાનને ફરી બિશ્નોઈના નામે ધમકાવવાનો પ્રયાસ
સલમાનના ઘરથી પોલીસ મથક સુધીની કેબ બૂક કરાયાનું ડ્રાઈવરે જણાવ્યું : કેબ બૂક કરાવનારા ગાઝિયાબાદના યુવકની ધરપકડ
મુંબઇ : સલમાન ખાનના બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગની તપાસ ચાલી રહી છે આ મામલો હજી શાંત પડયો નથી ત્યાં આજે ફરી અભિનેતાને ધમકાવવાનો પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના નામથી કેબ બુક કરાવીને સલમાનના ઘરે મોકલવામાં આવી હોવાની ચર્ચા થઇ રહી છે. આ કૅબ બુક કરાવનારા યુવકને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
૧૪ એપ્રિલના સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર અંધાધૂંધ ફાયરિંગ કરવાના કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલે ગોળીબારની જવાબદારી સ્વિકારી છે. ત્યારે આજે એક કૅબ ડ્રાઇવર સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પહોંચ્યો હતો. ડ્રાઇવરે સિક્યુરિટી ગાર્ડને લોરેન્સ બિશ્નોઇના નામથી કૅબ બુક કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ કૅબ સલમાનના ઘરેથી લઇને બાંદરા પોલીસ સ્ટેશન સુધી બુક કરવામાં આવી હતી.
આ કૅબના બુકિંગનું નામ સાંભળીને સલમાન ખાનની સિક્યુરિટીએ તરત જ પોલીસના સમગ્ર મામલાની જાણકારી આપી હતી. પોલીસે કૅબ ડ્રાઇવર પાસેથી જરૃરી માહિતી મેળવી હતી. આ કૅબ ગાજિયાબાદના ૨૦ વર્ષીય રોહિત ત્યાગીએ બુક કરાવી હોવાનું કહેવાય છે. પોલીસે યુવકને પકડીને પૂછપરછ હાથધરી છે. એવું જાણવા મળ્યું છે.
સલમાન ખાન આજે કડક સુરક્ષા વચ્ચે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ફાયરિંગ બાદ તે પહેલીવાર શહેરની બહાર જઇ રહ્યો છે. અભિનેતા દુબઇ ગયો હોવાની ચર્ચા થઇ રહી છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગ સતત સલમાનને ધમકી આપી રહી છે. હવે આ ગેંગસ્ટરના નામથી કૅબ બુક કરાવી ફરી તેને ધમકાવવાનો પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે.