પુણેની શાળામાં 9મા ધોરણની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત
શાળામાં યોજાયેલ એક વ્યાખ્યાનમાં આવી હતી
ચાલુ કાર્યક્રમે હૃદયહુમલો આવ્યો; હૉસ્પિટલે પહોંચવા પહેલાં જ વિદ્યાર્થિની મોતને ભેટી
મુંબઈ : પુણેના રાજગુરુનગર વિસ્તારની મહાત્મા ગાંધી શાળામાં નવમા ધોરણમાં ભણતી ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટએટેકથી મૃત્યુ થયાની ઘટના બુધવારે બની હતી. મૃતક વિદ્યાર્થિની સ્નેહા હોલે એ ખેડ તાલુકાના હોલેવાડીની રહેવાસી હતી.
પ્રાપ્ત માહિતીનુસાર, તે શાળામાં રોજિંદા ક્રમપ્રમાણે સવારે હાજર થઈ હતી. શાળામાં સવારે ૧૦ વાગ્યે 'સ્નેહ સંમેલન' માટે યોજાયેલ એક વ્યાખ્યાનમાં તે આવી હતી. તે દરમ્યાન તેને અસ્વસ્થ જણાઈ હતી અને તેને ચક્કર આવ્યા હતા.
શાળાના શિક્ષકો તેને તુરંત પાસેની ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં ડૉક્ટરે હાર્ટ એટેકને કારણે સારવાર પહેલાં જ વિદ્યાર્થિની મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યું હતું. તેને એક ભાઈ પણ છે. આ ઘટનાને કારણે હોલેવાડી તેમજ આસપાસના વિસ્તારમાં ખળભળાટ ફેલાઈ ગયો હતો.