કલ્યાણમાં 72 વર્ષીય બેકરી માલિકનો ૯ વર્ષની બાળકી પર બળાત્કાર
- પોક્સો સહિતની કલમો હેઠળ બેકરી માલિકની ધરપકડ
- માસુમ બાળકી બેકરીમાં ખરીદી કરવા આવી ત્યારે ચોકલેટની લાલચ આપી અંદરના ભાગે લઈ ગયો
મુંબઇ : કલ્યાણમાં ૭૨ વર્ષીય બેકરીના માલિકની નવ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ નરાધમે દુકાનની અંદર જ માસૂમ સાથે દુષ્કૃત્ય કર્યું હતું.
કલ્યાણમાં મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતી બાળકી આરોપીની બેકરીમાં થોડી ખરીદી કરવા ગઈ હતી. ત્યારે બેકરીના વૃધ્ધ માલિકે તેને ચોકલેટની લાલચ આપી હતી. તે ચોકલેટ આપવાના બહાને બાળકીને દુકાનમાં લઈ ગયો હતો. જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપીએ બાળકીને ધમકી આપી હતી કે તે ગુનાની કોઈને જાણ કરશે તો તેના માતા- પિતાને મારી નાખશે. આથી બાળકી ગભરાઈ ગઈ હતી. જોકે બાદમાં પીડિતાએ તેના માતા- પિતાને ઘટના વિશે જાણ કરી હતી. પછી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ અને અન્ય કલમ હેઠળ કેસ નોંધ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેણે અગાઉ અન્ય કોઈ બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે કે કેમ એની પણ તપાસ થઈ રહી છે.