5મા માળેથી નીચે પટકાયેલું કૂતરું માથે પડતાં 4 વર્ષની બાળકીનું મોત

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
5મા માળેથી નીચે પટકાયેલું  કૂતરું માથે પડતાં  4 વર્ષની બાળકીનું મોત 1 - image


મુંબ્રાના અમૃત નગર વિસ્તારમાં જાહેર માર્ગ પર  કરુણ દુર્ઘટના

બાળકી રસ્તા પર માતા સાથે જતી હતી અને અચાનક માથેથી કૂતરું  પડયું  : બેભાન થયા બાદ હોસ્પિટલ ખસેડાતાં મોત

મુંબઇ :  મુંબઈ નજીકના મુમ્બ્રામાં   સર્જાયેલી એક વિચિત્ર પણ અતિશય કરુણ ઘટનામાં રસ્તે જતી ચાર વર્ષની બાળકીને માથે પાંચમા માળેથી પટકાયેલું કૂતરું પડયા બાદ આ બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકી તેની માતા સાથે જતી હતી અને એકદમ અચાનક જ તેની માથે કૂતરું પડયું હતું. બાળકી બેભાન થઈ ગઈ હતી. તેને તત્કાળ નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના અમૃત નગરમાં મંગળવારે બપોરે  સાડા ચાર વાગ્યાની આસપાસ બની હતી.  આ સંપુર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં મુંબ્રાના અમૃતનગરમાં બપોરે ૪ વર્ષની બાળકી તેની માતા સાથે રસ્તા પરથી ચાલી રહી હતી.  તે સમયે અહીં સ્થિત એક ઈમારતના પાંચમા માળેથી એક શ્વાન અચાનક નીચેે  આ નાની બાળકી પર પડયો હતો. ચાર વર્ષની બાળકીને તેના પર ઓચિંતા પટકાયેલા  શ્વાનનો ભારે ધક્કો વાગ્યો હતો. 

રસ્તા પર દોડાદોડ મચી હતી. આસપાસમાંથી લોકો માતાની મદદે આવ્યા હતા અને બાળકીને તત્કાળ નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. તેનું સિટી સ્કેન પણ કરાયું હતું. જોકે, સંભવતઃ ગંભીર ઈજાના  કારણે તેનું મોત નીપજ્યું હતું. 

આ ઘટનામાં શ્વાનને પણ ગંભીર ઈજાઓ થતા તે લંગડાતો જોવા મળ્યો હતો. આથી તેને સારવાર માટે  પ્રાણીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જેમાં તેની સારવાર શરુ કરાઈ હતી. 

પોલીસ તપાસમાં મળેલી વિગતો અનુસાર આ શ્વાનના માલિકનુ ંનામ જેહ સૈયદ છે. કૂતરું પોતાની જાતે નીચે પડી ગયું કે પછી તેને કોઈએ ફેંક્યું તે વિશે તત્કાળ માહિતી મળી નથી. પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News