શ્વાસનળીમાં ફુગ્ગો અટકી જતા 3 વર્ષના બાળકનું મોત
પાલઘરના વાડામાં દુઃખદ ઘટના
રમતાં રમતાં ફુગ્ગો ગળી ગયો, નજીકમાં દવાખાનું નહીં હોવાથી સારવાર ન મળી
મુંબઇ : પાલઘર જિલ્લાના વાડા તાલુકાના ભગનપાડા નામના એક દુર્ગમ ભાગમાં રમતી વખતે ત્રણ વર્ષના એક બાળકની શ્વાસ નળીમાં ફુગ્ગો અટકી જતા તેનું મોત થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલો હર્ષ બુધર અન્ય મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના બાદ ભગતપાડાના દુર્ગમ વિસ્તારમાં તેને યોગ્ય સમયે સારવાર ન મળી હોવાનો આરોપ પણ સ્થાનિકોએ કર્યો હતો.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર હર્ષ તેના વિસ્તારના અમૂક નાના બાળકો સાથે ઘર બહાર રમી રહ્યો હતો. થોડા સમય બાદ અચાનક તેની તબિયત લથડી હતી અને તે બેભાન થઇ ગયો હતો. આ ઘટનાથી નાના બાળકો ડરી ગયા હતા અને આ બાબતની જાણ હર્ષના માતા-પિતાને કરી હતી. આ સમયે વધુ પૂછપરછ કરતા નાના બાળકોએ જણાવ્યું હતું કે તે ફુગ્ગાથી રમી રહ્યો હતો અને આ દરમિયાન તે ફુગ્ગો ગળી ગયો હતો. તેના વાલીઓ તેને ઉપાડી તરત જ વધુ સારવાર માટે પાસેના પરળી પ્રાથમિક ઉપચાર કેન્દ્રમાં લઇ જવા નીકળ્યા હતા.
જોકે તેઓ પ્રાથમિક ઉપચાર કેન્દ્રમાં પહોંચે તે પહેલા જ હર્ષનું રસ્તામાં જ મૃત્યું થયું હતું. આ સમયે તેના પરિવાર-જનો અને સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે તેમના ગામ અને વસ્તીની આસપાસ આરોગ્ય સુવિધાનો અભાવ છે. જો હર્ષને સમયસર યોગ્ય સારવાર મળી હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત.