થાણેમાં 27 વર્ષના તરુણને રુ.300 માટે માર્ગ પર નિઃવસ્ત્ર કરી દોડાવાયો
એક જણે વસ્ત્રો કાઢી પટ્ટાથી માર્યો, બીજાએ વીડિયો ઉતાર્યો
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસ જાગી, સીએમના હોમટાઉનમાં જ ઘટનાથી વિપક્ષાની પસ્તાળ
મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના હોમટાઉનમાં જ ૧૭ વર્ષના તરુણને ૩૦૦ રુપિયા ખાતર નિઃવસ્ત્ર કરી પટ્ટાથી માર મારી રસ્તા પર દોડાવાયો હતો. આરોપીઓએ જ પોતાના આ કુકર્મનો વીડિયો પણ ઉતાર્યો હતો. જોકે, બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. દરમિયાન, વિપક્ષોએ આ બનાવ અંગે મુખ્યપ્રધાન પર તથા સ્થાનિક પોલીસ પર પસ્તાળ પાડી છે.
મંગળવારે થાણાના કલવા નાકાની જામા મસ્જિદ પાસેના વિસ્તારમાં જાહેરમાં જ અનેક લોકોની હાજરી વચ્ચે બે યુવકોએ ૧૭ વર્ષીય તરુણને ૩૦૦ રુપિયાની લોન પરત નહીં ચૂકવવા બદલ અને બ્લૂટૂથ હેડફોન ચોરી જવા બદલ ધમકાવ્યો હતો અને માર મારવાનું શરુ કર્યું હતું. આ તરુણે પોતે કોઈ ચોરી કરી નથી તેવો બચાવ કર્યો હતો. પરંતુ, તૌસીફ ખાનબંદે અને સમીલ ખાનબંદે નામના બે યુવકો તેના પર તૂટી પડયા હતા. તેમાંથી એકે તેનાં વસ્ત્રો ઉતારી નાખ્યાં હતાં અનેપટ્ટાથી મારતાં મારતાં તેને સમગ્ર રોડ પર એ જ હાલતમાં દોડાવ્યો હતો. બીજા આરોપીએ આ સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. તરુણ ગમે તેમ કરી જાન બચાવી ત્યાંથી ભાગી છૂટયો હતો.
તેણે બીજા દિવસે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી પરંતુ પોલીસે માત્ર જાણવા જોગ નોંધ જ લીધી હતી અને ફરિયાદ નોંધી હતી.
રમિયાન સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ ોડતી થઈ હતી. પોલીસે તપાસ કરી તૌસીફની ધરપકડ કરી હતી જ્યારે સામીલની શોધખોળ શરુ કરાઈ હતી. આ બંને યુવકો આ વિસ્તારના માથાભારે તત્વો હોવાનું કહેવાય છે. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ શિવસેના યુબીટી સહિતના વિપક્ષી નેતાઓએ આ સમગ્ર ઘટનાક્રમ અંગે સરકાર તથા સ્થાનિક પોલીસ પર પસ્તાળ પાડી હતી. મુખ્યપ્રધાનના હોમટાઉનમાં જ આવી ઘટના બનતી હોય અને પોલીસ પીડિતની ફરિયાદ લીધા વિના ભગાડી દેતી હોય તો અન્યત્ર કેવી હાલત હશે તેવો સવાલ વિપક્ષે ઉઠાવ્યો હતો.