બેટરી ગળી જનાર ૨૨ માસની બાળકીનો જીવ બચાવાયો
દીવાળીના ઈલેક્ટ્રીક દીવા સાથે રમતી વખતે
ડોક્ટરોની બેટરી જેવી વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવાની સલાહ, તે જીવલેણ સાબિત થઈ શકે
મુંબઈ : મુલુન્ડનો એક પરિવાર તેમની ૨૨ મહિનાની બાળકી વીજળીના દીવા સાથે રમ્યા પછી ચિંતાજનક લક્ષણો અનુભવવા લાગી ત્યારે ચિંતાજનક સ્થિતિમાં મુકાયો હતો. ૮મી નવેમ્બરની વહેલી સવારે બાળકીને લીલા પ્રવાહીની ઉલટી થવા લાગી. તેમાંથી રાસાયણિક ગંધ આવી ત્યારે બાળકીના માતાપિતાને તે કંઈક ઝેરી વસ્તુ ગળી ગઈ હોવાનો શક થયો.
બાળકીને તાત્કાલિક નજીકની નસગ ફેસિલિટીમાં લઈ જવામાં આવી જ્યાં તેના એક્સરે કઢાવતા તેમને ચોંકાવનારી માહિતી મળી. બાળકીના પેટ અને આંતરડામાં ત્રણ બટન-સાઇઝની વસ્તુઓ હતી. આ ખુલાસાથી તેમને યાદ આવ્યું કે થોડા દિવસ અગાઉ બાળકી ઈલેક્ટ્રિક દીવા સાથે રમી રહી હતી. સ્થિતિની ગંભીરતા સમજીને બાળકીને તુરંત હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
એક બટન બેટરી એન્ડોસ્કોપી દ્વારા કાઢવામાં આવી જ્યારે બાકીની બે બેટરી કુદરતી રીતે બહાર નીકળી જાય તેના માટે દવા આપવામાં આવી.
બાળકીની સારવાર કરનાર બાળરોગ નિષ્ણાંતે જણાવ્યું કે બટન બેટરીમાંથી નીકળતા કેમિકલને કારણે બાળકીની અન્નનળી અને પેટમાં ચાંદા પડયા હતા. પણ સમયસર સારવાર મળતા વધુ નુકસાન થતું અટકાવાયું હતું.
ડોક્ટરોએ આવા ઈલેક્ટ્રિક દીવા બાબતે સાવધાની વર્તવાની સલાહ આપી હતી. ૨૦૧૬માં ઈન્ડિયન જરનલ ઓફ પીડિયાટ્રિક્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં એક વર્ષથી ત્રણ વર્ષના બાળકોને દાઝી જવા, ઝેરીલી વસ્તુ ગળી જવાના જોખમ વિશે જણાવાયું હતું. અભ્યાસમાં ખાસ કરીને દીવાળી જેવા તહેવાર દરમ્યાન આવા અકસ્માતો અટકાવવા જોખમી વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવાની સલાહ અપાઈ હતી.