નેશનલ પાર્કના ગીચ જંગલમાં આવેલા 19મી સદીના ભૂત બંગલાનો જિર્ણોદ્ધાર કરાશે
ભૂત બંગલાનું 1860માં અને તુલસી સરોવરનું બાંધકામ 1879માં થયા હતા
બ્રિટિશર્સ દ્વારા વિકસાવવામાં આવેલું તુલસી જળાશય છેક મલબાર હિલ સાથે જોડાયેલું છે
મુંબઇ : ૧૮૬૦માં બાંધવામાં આવેલા ભૂતબંગલા અને તુલસી જળાશય ખાતે ૧૮૭૯માં બાંધવામાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો જિર્ણોદ્ધાર કરવાની મુંબઇ હેરિટેજ કન્ઝર્વેશન કમિટી-એમએચસીસી-એ મંજૂરી આપી છે.આ બંને બાંધકામો સંજય ગાંધી નેશનલ પાર્કના ગીંચ જંગલમાં આવેલા છે. બીએમસીના હેરિટેજ કન્ઝર્વેશન સેલમાં કામ કરતાં સંજય આઢવે જણાવ્યું હતું કે અમને એમએચસીસી તરફથી તથા અમારા એડિશનલ કમિશનર તરફથી આ બંને બાંધકામોનેો જિર્ણોદ્ધાર કરવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. આખરી નિર્ણય માટે અમે ટૂંક સમયમાં વન વિભાગના અધિકારીઓને મળીશું. જેને ત્યજી દેવામાં આવ્યો છે તે ઇન્સ્પેકશન બંગલો જે સત્તાવાર રીતે પણ ભૂતબંગલા તરીકે જાણીતો છે તેના જિર્ણોદ્ધાર માટે એક કરોડ રૃપિયાનો ખર્ચ થશે.
બ્રિટિશ ઇજનેર આર. વોલ્ટન દ્વારા આ બંગલો બાંધવામાં આવ્યો હતો. તેમાં ફાયર પ્લેસ અને ઘોડાર પણ છે. બંગલા અને વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટને એમએચસીસી દ્વારા હેરિટેજ ઇમારતોની યાદીમાં સમાવવામાં આવેલા છે. હાલ આ બંગલાની જગ્યાએ માત્ર ચાર દિવાલો જ મોજૂદ છે. આ બંગલો એવા સ્થાને બનાવવામાં આવ્યો છે જ્યાંથી તુલસી, વિહાર અને પવઇ જળાશયો પર નજર રાખી શકાય છે.
બ્રિટિશ દ્વારા વિકસાવવામાં આવેલા તુલસી જળાશયના સ્થાને પહેલાં તુલસી ગામ વસેલું હતું. ગામવાસીઓને અન્યત્ર વસાવી ત્યાં ડેમ બાંધવામાં આવ્યો હતો. બ્રિટિશ દ્વારા વિકસાવવામાં ઓવેલું આ બીજું જળાશય છે. તુલસી જળાશય મલબાર હિલ સાથે સીધું જોડાણ ધરાવે છે. તુલસી ડેમમાંથી નીકળતાં પાણીના પાઇપ સેનાપતિ બાપટ રોડ પરથી પસાર થાય છે. આ રોડનું જુનું નામ એટલે તુલસી પાઇપ રોડ હતું. આ તુલસી જળાશયના ફિલ્ટરેશન પ્લાન્ટને સુધારવામાં પંદર કરોડ રૃપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. બીએમસી આ ફિલ્ટરેશન પ્લાન્ટની અંદર એક નાનું સંગ્રહાલય બનાવવાની પણ યોજના ધરાવે છે.
જો કે, આ બંગલા સુધી મુલાકાતીઓને જવા મળશે કે કેમ એ સવાલ છે. વન વિભાગનાએક અધિકારીએ જણાવ્યું હતું કે આ બંગલો ગીચ જંગલ વિસ્તારમાં આવેલો છે જેમાં દીપડા, મગર અને અન્ય હિંસક પ્રાણીઓ વસે છે એટલે મુલાકાતીઓન ત્યાં જવા દેવામાં આવશે નહીં. ૧૯૯૧ સુધી દિવસના ભાગે મુલાકાતીઓ આ વિસ્તારમાં જઇ શકતા હતા પણ બાદમાં ગીચ જંગલમાં ગુનાખોરીનું પ્રમાણ વધતાં પર્યાવરણવાદીઓએ તત્કાલીન રાજ્યકક્ષાનાપર્યાવરણ પ્રધાન માણેકા ગાંધીને પત્ર લખી ફરિયાદ કરતાં વન વિભાગે આ વિસ્તારમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો.