વન વિભાગમાં નોકરીનું વચન આપીને 17 વર્ષીય તરુણીની જાતીય સતામણી
આરોપીએ નોકરી માટે 7 લાખ રુપિયા પણ લીધા
મુંબઈ : પૈસા પરત આપવાના બહાને પીડીતાને બોલાવીને તેની સાથે આરોપીએ આ કૃત્ય કર્યું
ચેમ્બુરમાં ૧૭ વર્ષીય તરુણીનેે વન વિભાગમાં નોકરીનું આપવાનું વચન આપીને કથિત રીતે તેની સાથે જાતીય સતામણી અને છેતરપિંડી કરવા બદલ એક શખ્સ સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ૧૭ વર્ષીય તરુણી તેના પરિવાર સાથે ચેમ્બુરમાં રહે છે. પીડીતા ઓગસ્ટમાં જળગાંવના રહેવાસી આરોપી ધનંજય પાટીલ સાથે સંપર્કમાં આવી હતી. આ બાદ પાટીલે પીડીતાને વન વિભાગમાં તેની ઘણી ઓળખાણ હોવાનું જણાવ્યું હતું અને તેને અને તેના ભાઈને વન વિભાગમાં નોકરી આપવાનું વચન આપ્યું હતું.
વન વિભાગમાં નોકરી અપાવવા માટે આરોપીએ પીડીતા પાસેથી ઓગસ્ટ અને ઓક્ટોબર ૨૦૨૪ વચ્ચે કુલ સાત લાખ રુપિયા પણ લીધા હતા. જેમાં પીડીતાએ આરોપીને ઓનલાઈન દ્વારા ૨.૬ લાખ અને ૪.૪ લાખ રોકડા આપ્યા હતા. જો કે, પૈસા આપવા છતાં પીડીતાના ભાઈને વન વિભાગમાં નોકરી મળી ન હતી.
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા પીડીતાએ આરોપી પાસેથી પોતાના પૈસા પાછા માંગ્યા હતા. જેમાં પ્રથમ આરોપીએ પીડીતાને કોઈ જવાબ ન આપતા ટાળવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ મંગળવારે આરોપીએ પીડીતાને પોતાના પૈસા પરત લેવા માટે બોલાવી હતી. આ સમયે આરોપીએ પીડીતાની નજીક જવાનો પ્રયાસ કર્યો હતો અને તેને અભદ્ર રીતે સ્પર્શ કર્યો હતો. આ બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પીડીતાએ ઘરે આવીને આ અંગે પરિવારને જણાવતા આ ઘટના પ્રકાશમાં આવી હતી.આ બાદ પરિવારે તરત જ નેહરુ નગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે નેહરુ નગર પોલીસે આ મામલે પાટીલ સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ સહિત સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.