મુંબઈમાં મંકીપોક્સ માટે 14 બેડનો ખાસ વોર્ડ શરુ કરાયો
દેશમાં એકપણ કેસ નહિ, પણ વૈશ્વિક પ્રસાર વધતા પગલું
મુંબઈ અનેક વિદેશી મુલાકાતીઓનું એન્ટ્રી પોઈન્ટ હોવાથી તકેદારીનાં પગલાં તરીકે સેવન હિલ્સમાં સુવિધા ઊભી કરાઈ
મુંબઈ- શહેરમાં મંકીપોક્સનો એકપણ કિસ્સો ન બન્યો હોવા છતાં સાવચેતીના પગલા તરીકે મુંબઈમાં સેવન હિલ્સ હોસ્પિટલમાં તેના માટે ખાસ ૧૪ બેડનો વોર્ડ અનામત રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન અને સ્વીડનમાં મંકીપોક્સના કેસોમાં વધારો થતા મુંબઈ મહાપાલિકા અને રાજ્ય સરકારે જારી કરેલી ગાઈડલાઈન્સ પછી આ પગલા લેવામાં આવ્યા છે. મુંબઈ અનેક વિદેશી મુલાકાતીઓનું મુખ્ય એન્ટ્રી પોઈન્ટ હોવાને કારણે પાલિકાનો આરોગ્ય વિભાગ સંભવિત જોખમોનું નિરીક્ષણ કરવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આરોગ્ય માહિતી રૃમ સાથે સહયોગ કરી રહ્યો છે.
પાલિકાના આસીસ્ટન્ટ મેડિકલ સુપરીન્ટેન્ડન્ટે જણાવ્યું કે ગંભીર લક્ષણો હોય તેવા સંભવિત કેસોને દાખલ કરવા વિશિષ્ટ આઈસોલેટેડ બેડ અને મંકીપોક્સ આઈસીયુ તૈયાર રાખવામાં આવ્યા છે. ભારતમાં મંકીપોક્સના કોઈ કેસ હજી નોંધાયા ન હોવા છતાં રેશ, તાવ, ખાંસી, ગળામાં ખરાશ જેવા લક્ષણો સાથે અને ક્યારેક કોઈ લક્ષણ વિના વાયરસ સંક્રમિત થતો હોવાથી પ્રશાસન સતર્ક રહેવા માગે છે.
વધુમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવાણે મુંબઈ એરપોર્ટ ખાતે ચકાસણી અને ક્વોરન્ટાઈન સુવિધા તાત્કાલિક ઊભી કરવાની માગણી કરી હતી. ખાસ કરીને વધુ કેસો હોય તેવા દેશમાંથી આવતા પ્રવાસીઓની સઘન ચકાસણી કરવાની તેમણે માગણી કરી હતી. ચવાણે જણાવ્યું કે કોવિડ મહામારી દરમ્યાન આવા પગલા યોગ્ય રીતે અમલમાં નહોતા મુકાયા અને તેમણે મુખ્ય મંત્રીને તાત્કાલિક પગલા લેવાની તાકીદ કરી હતી.
ઈસ્ટર્ન ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો અને તેના પડોશના દેશોમાં મંકીપોક્સના કેસોની સંખ્યા ઝડપથી વધી હોવાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી હોવાથી આ સતર્કતા વર્તવામાં આવી રહી છે.
ઉપરાંત પાકિસ્તાને તાજેતરમાં જ તેના પ્રથમ મંકીપોક્સ કેસોની પુષ્ટી કરી હતી અને સ્વીડને પણ આફ્રિકાની બહાર તેના પ્રથમ કેસની નોંધ કરી હતી જેના કારણે વાયરસની વૈશ્વિક અસરનો પરચો મળ્યો હતો અને મુંબઈ જેવા વિસ્તારોમાં સતત તકેદારીની જરૃરીયાત જણાઈ છે.