Get The App

13 વર્ષની તરુણી પર ઈન્સ્ટાગ્રામ પર મળેલા મિત્ર દ્વારા બળાત્કાર

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
13 વર્ષની તરુણી પર ઈન્સ્ટાગ્રામ પર મળેલા મિત્ર દ્વારા બળાત્કાર 1 - image


અંધેરી ઉપરાંત ગુજરાત લઈ જઈને બળાત્કાર ગુજાર્યો 

મુંબ્રામાં પણ 14 વર્ષની તરુણીને સોશિયલ મીડિયા થકી મળેલા પ્રેમી દ્વારા બળાત્કાર

મુંબઇ  :  મુંબઈમાં ૧૩ વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થતા, ૨૧ વર્ષીય યુવક દ્વારા બે રાજ્યોમાં અલગ અલગ સ્થળ પર બે વખત સગીરા પર બળાત્કાર ગુજારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત આવા જ એક અન્ય કિસ્સામાં મુંબ્રામાંં ૧૪ વર્ષીય સગીરા પર સોશિયલ મિડીયા મિત્ર દ્વારા બળાત્કાર ગુજારવામાં આવતા. આ મામલે પોલીસે યુવક સામે કેસ નોંધ્યો હતો.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ઈન્સ્ટાગ્રામ દ્વારા સગીરા સાથે મિત્રતા કરી હતી. જેમાં યુવક  ગોરેગાવ વિસ્તારમાં હોટલમાં કામ કરતો હતો. મિત્રતા બાદ યુવક  સગીરાને  અંધેરીના એક  સ્થળે લઈ જઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુર્જાયો હતો. આ  બાદ ૨૧ વર્ષીય આરોપી  સગીરાને  ગુજરાત લઈ ગયો હતો અને તેના પર  ફરીથી બળાત્કાર ગુજાર્યો હતો. 

 આ દરમિયાન પરિવારજનોએ  સગીરાની  ગુમ  થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે, થોડા દિવસો બાદ સગીરા જ્યારે  તેના ઘરે પરત આવી, ત્યારે પરિવારજનો દ્વારા પૂછપરછ કરવામાં આવતા   સગીરાએ આરોપીનો  ફોટો  તેના પરિવારના સભ્યોને બતાવ્યો હતો અને તેની સાથે થયેલ સમ્રગ ઘટના વિશે જણાવ્યું હતું. ઘટના પ્રકાશમાં આવતા પરિવારજનોએ તાત્કાલિક વાકોલા પોલીસનો સંપર્ક કર્યો હતો અને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. 

ફરિયાદના આધારે, પોલીસે યુવક સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો  અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને યુવકની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત મુંબ્રામાં લગભગ  ત્રણ મહિના પહેલા  સગીરાની સોશિયલ મિડીયા દ્વારા એક યુવક સાથે મિત્રતા થઈ હતી. મિત્રતા થયા  બાદ બંને વચ્ચે વાતચીતનો અને મળવાનો સિલસિલો શરુ થયો હતો. આ દરમિયાન સગીરા પર કથિત રીતે  સોશિયલ મિડીયા મિત્ર દ્વારા બળાત્કાર ગુજાર્યો હતો અને  જો તેણે આ અંગે કોઈને જાણ કરી તો તેના પરિવારના સભ્યોને મારી નાખશે એવી ધમકી પણ આપી હતી.

સગીરાનો પરિવાર તાજેતરમાં જ  મુંબ્રામાં શિફ્ટ થયો હતો. આ ઘટનાના  થોડા દિવસો બાદ,  સગીરાએ પરિવારજનોને આ વિશે જણાવતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ બાદ પરિવારજનોએ કપુરબાવડી પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસેભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલામાં આરોપીને શોધખોળની કામગીરી હાથ ધરાઈ છે.



Google NewsGoogle News