તબીબી બેદરકારીની લીધે 12 વર્ષના બાળકે હાથ ગુમાવ્યો
ભિવંડીમાં ક્રિકેટ રમતાં ઘાયલ થયો હતો
થાણે મ્યુનિ. હોસ્પિટલના ડોક્ટરે ફ્રેક્ચર પર સીધું પ્લાસ્ટર કર્યું, ધનુરનું ઈન્જેકશન ન આપ્યું
મુંબઇ : ભિવંડીમાં ક્રિકેટ રમતા જખમી થયેલા બાર વર્ષના બાળકે થાણે મહાપાલિકાની કલવા હોસ્પિટલના ડૉકટરોની કથિત બેદરકારીને લીધે જમણો હાથ ગુમાવવો પડયો હતો, એવો આરોપ તેના વાલીએ કર્યો છે.
ભિવંડીનો રહેવાસી આ બાળક થોડા દિવસ પહેલાં દોસ્તો સાથે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે પડી ગયો હતો. જખમી બાળકને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હાથમાં ફ્રેકચર થયું હોવાથી ડોકટરોએ સીધું પ્લાસ્ટર જ કરી દીધું હતું, પણ જખમ થયું હોવા છતાં ધનુરનું ઇન્જેકશન અપાવાની દરકાર નહોતી કરી.
બાળકને ઘરે લઇ જવામાં આવ્યા પછી બે દિવસમાં જ જમણાં હાથમાં આંગળા કાળા પડવા માંડયા હતા. આથી તેને ફરીથી કલવા મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ડૉકટરોએ હાથ તપાસીને કેસ ગંભીર જણાતા સાયન હોસ્પિટલમાં જવાનું કહ્યું હતું.
સાયન હોસ્પિટલમાં ડૉકટરોએ નિદાન કર્યું હતું કે જમણાં હાથમાં ધનુર થઇ ગયું છે, એટલે હાથ કાપવો પડશે. આમ બાળકનો હાથ ખભેથી કાપી નાખવામાં આવ્યો હતો.
બાળકના પિતાએ કલવા હોસ્પિટલના ડૉકટરોની ઘોર બેદરકારીનો આરોપ કર્યો હતો. ત્યાર પછી આ પ્રકરણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાા પ્રતિનિધિમંડળે મ્યુનિસિપલ કમિશનર બાંગરની મુલાકાત લઇને આ ઘટનાની તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો. કમિશનરે તરત તપાસનો આદેશ આપ્યો હતો.