ડોંબિવલીમાં ટ્રકે બાઈકને અડફેટમાં લેતા 10માં ધોરણના વિદ્યાર્થીનું મોત
લોકોએ ટ્રક ચાલકને પકડી લઈ ફટકાર્યો
બંને વિદ્યાર્થીઓ ખાનગી ટયુશનથી ઘરે પરત ફરી રહ્યા હતાઃ એક ઘાયલ
મુંબઈ : ડોંબિવલીમાં એમઆઈડીસીમાં બુધવાર સાંજે નશામાં ધૂત ટ્રક ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૬ વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું હતું. તો એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો.
વિગત મુજબ, આ ઘટના બુધવાર સાંજે ડોંબિવલીના એમઆઈડીસીના કાવેરી ચોકમાં બની હતી. આ અકસ્માતમાં ૧૬ વર્ષીય બુદ્ધશાલનું મોત થયું હતું. તો ૧૬ વર્ષીય વૈભવ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
બંને વિદ્યાર્થીઓ દસમાં ધોરણના વિદ્યાર્થીઓ હતા અને તેમની છ માસિક પરીક્ષાઓ ચાલી રહી હતી. તેથી બંને ખાનગી ટયુશ ક્લાસમાં ભણવા માટે ગયા હતા. સાંજે બંને ટુ વ્હીલર પર સવાર થઈને એમઆઈડીસીમાં કાવેરી ચોકથી ઘરે પરત ફરી રહ્યા હતા.
તે સમયે ફેરિયાઓ અને રાહદારીઓથી ખીચોખીચ ભરેલા કાવેરી ચોકમાંથી દારુના નશામાં ધૂત ટ્રક ચાલક પુરપાટે આવતો હતો. જેમાં ટ્રક ચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવી બેસતા તેણે ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. જેથી ભીષણ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમા બુદ્ધશાલને માથામાં ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ ંહતું. તો વૈભવ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો તરત જ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ટ્રક ચાલકને પકડી પાડયો હતો અને ટ્રક ચાલકને માર માર્યો હતો.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ કેસમાં પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી અને માનપાડા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો નોંધ્યો હતો અને આ મામલે કિશોરને ટુ વ્હીલર ચલાવવા કોણે આપી હતી તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી હતી.