રાજ્યમાં માતૃભાષા ગુજરાતી વિષયનું 99.25 ટકા પરિણામ
26 વિષયનું પરિણામ 100 ટકા
પુણે, નાસિક, અમરાવતીમાં ગુજરાતી વિષયનું પરિણામ 100 ટકા, મુંબઈમાં 99.24 ટકા
મુંબઇ : મહારાષ્ટ્ર બોર્ડનું ધો.૧૨નું પરિણામ જાહેર થયું. તેમાં ૨૬ વિષયો એવાં છે, જેનું કુલ પરિણામ રાજ્યભરમાં ૧૦૦ ટકા આવ્યું છે. જોકે એકતરફ ગુજરાતી વિષય મહારાષ્ટ્રમાંથી ઘટતો જાય છે, એવી બોલબાલા વચ્ચે રાજ્યમાં ગુજરાતી વિષયનું કુલ પરિણામ ૯૯.૩૫ ટકા આવ્યું છે.
ધો.૧૨માં ગુજરાતી માતૃભાષા વિષયમાં મુંબઈ વિભાગમાં સૌથી વધુ ૯૨૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી ૯૧૭ વિદ્યાર્થીઓ પાસ થતાં મુંબઈ વિભાગનું પરિણામ ૯૯.૨૪ ટકા આવ્યું છે. જ્યારે નાસિકમાં ૧૨૦ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી. તે તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં નાસિકનું ગુજરાતી વિષયનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. ઉપરાંત પુણે અને અમરાવતીમાં અનુક્રમે ૨૮ અને ૪ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષા વિષયની પરીક્ષા આપી હતી. તે તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં આ વિસ્તારોનું પણ ગુજરાતી વિષયનું કુલ પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. આમ રાજ્યભરમાંથી કુલ ૧,૦૮૦ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષય માટે રજીસ્ટર કરાવ્યું હતું. પરંતુ તેમાંથી ૧૦૭૬ વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી અને તેમાંના ૧૦૬૯ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૯.૩૫ ટકા પરિણામ ભાષા વિષયનું આવ્યું છે.