એપીએમસી માર્કેટમાં 95 હજાર કેરીની પેટીઓ આવી

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
એપીએમસી માર્કેટમાં 95 હજાર કેરીની પેટીઓ આવી 1 - image


ગુડી પડવાનું મૂહૂર્ત વેપારીઓને ફળ્યું

આવક વધવા છતાં ભાવ સ્થિર, પેટી દીઠ 2000 થી 4000 સુધીનો ભાવ

મુંબઈ : સાડા ત્રણ મૂહૂર્તોમાંના એક ગુડી પડવાના દિવસે નવી વસ્તુઓ, વાહનો, ઘર ખરીદી પર વધુ ભાર અપાતો હોય છે. તેજ રીતે પડવાને દિવસે કેરીની ખરીદી પણ મોટે પાયે થતી હોય છે. આથી મંગળવારે ગુડી પડવાના અવસરે વાશીની એપીએમસી માર્કેટમાં ૯૫,૨૪૦ પેટી ભરી કેરીની આવક થઈ હતી. તેમાંની ઘણી પેટીઓ એજ દિવસે વેચાઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

મુંબઈની જથ્થાબંધ માર્કેટમાં કેટલાંક દિવસથી કેરીની આવક વધવાની શરુ થઈ ગઈ છે.આવક વધી હોવા છતાં ભાવ સ્થિર જ છે. વાતાવરણમાં ગરમી વધતાં આંબાનો ફાલ વહેલો ઉતર્યો છે. આથી બજારમાં આફૂસની આવક વધી રહી છે. 

પડવાના મૂહૂર્તે માર્કેટમાં દેવગડ, રત્નાગિરીથી ૬૭,૦૧૬ પેટી તો અન્ય રાજ્યોની ૨૮,૧૪૪ મળી કુલ ૯૫,૪૨૦ પેટી દાખલ થઈ હતી. છતાંય આંબાની પેટીના માર્કેટમાં ૨૦૦૦ થી ૨૫૦૦ તો ઉચ્ચ કોટિની પેટીના ૩૦૦૦ થી ૪૦૦૦ રુપિયા ભાવ બોલાઈ રહ્યાં છે. 

ગુડી પડવાને દિવસે ખાસ કરી મહારાષ્ટ્રીયન સંસ્કૃતિમાં કેરીનો રસ તથા પુરણપોળીનું ભોજન બનતું હોય છે. વળી આ દિવસે વણજોયું મૂહૂર્ત હોવાથી અનેક શુભ પ્રસંગો પણ આ દિવસે યોજાતાં હોય છે. આથી તેમાં પણ જમણવારમાં કેરી તથા કેરીના રસની માગણી તથા દાન માટે પણ કેરી મોટા પાયે ખરીદાતી હોય છે. આથી ગુડી પડવાના દિવસે એપીએમસી માર્કેટમાં કેરીની આવક અને ખરીદીને લઈને અનોખો માહોલ જોવા મળતો હોય છે.  



Google NewsGoogle News