ધો.10માં મહારાષ્ટ્રમાં 95.81 ટકા વિદ્યાર્થીઓ પાસ, મુંબઈ 4થા ક્રમે

Updated: May 27th, 2024


Google NewsGoogle News
ધો.10માં મહારાષ્ટ્રમાં 95.81 ટકા વિદ્યાર્થીઓ પાસ, મુંબઈ 4થા ક્રમે 1 - image


ધો.12 કરતાં ધો.10નું પરિણામ ઊંચું, કોંકણ-કન્યા આગળ

મુંબઈ :  મહારાષ્ટ્ર બોર્ડના ધો.૧૨ના પરિણામ બાદ ધો.૧૦નું પરિણામ પણ સોમવારે બપોરે એક વાગ્યે ઓનલાઈન જાહેર કરી દેવામાં આવ્યું છે. ધો.૧૦નું રાજ્યનું કુલ પરિણામ ૯૫.૮૧ ટકા આવ્યું છે. ગયા વર્ષની તુલનાએ કુલ પરિણામ ૧.૯૮ ટકા વધ્યું છે. આ વર્ષે પણ ૯૭.૨૧ ટકા પરિણામ સાથે વિદ્યાર્થિનીઓ જ આગળ રહી છે. તો પાસ થયેલાં વિદ્યાર્થીઓની ટકાવરી ૯૪.૫૬ ટકા રહી છે. રાજ્યમાં કોંકણ વિભાગ ૯૯.૦૧ ટકા પરિણામ સાથે પ્રથમ સ્થાને તો નાગપુર વિભાગ ૯૪.૭૩ ટકા પરિણામ સાથે સૌથી છેલ્લા સ્થાને છે. જ્યારે મુંબઈ વિભાગ ૯૫.૮૩ ટકા પરિણામ સાથે ચોથા સ્થાને આવ્યું છે. રીપીટર્સ અને ખાનગી વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમનું પરિણામ અનુક્રમે ૫૧.૧૬ અને ૮૦.૪૨ ટકા આવ્યું છે. રાજ્યભરમાં કુલ ૮૧,૯૯૧ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધુ માર્ક મેળવ્યાં છે. તો ૭૫ થી૮૦ ટકા મેળવેલાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૮૨,૦૩૩ જેટલી છે.

પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસથી પાસ, ૫૩ તૃતીયપંથીઓએ પણ પરીક્ષા આપી, ૩૮ સ્કૂલોનું પરિણામ શૂન્ય ટકા

મહારાષ્ટ્ર બોર્ડની ધો.૧૦ ની પરીક્ષા  માર્ચ ૨૦૨૪ દરમ્યાન લેવાઈ હતી. સ્ટેટ બોર્ડના પુણે, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાસિક, લાતુર અને કોંકણ એમ નવ (૯) વિભાગના કુલ ૫,૦૮૬પરીક્ષા કેન્દ્રોએ આ પરીક્ષા થઈ હતી. તે માટે રાજ્યભરમાંથી કુલ ૧૫,૬૦,૧૫૪ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ૧૫,૪૯,૩૨૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંનાં ૧૪,૮૪,૪૪૧ વિદ્યાર્થીઓ પાસ થતાં રાજ્યનું કુલ પરિણામ ૯૫.૮૧ ટકા આવ્યું છે. જે ધો.૧૨ના પરિણામ કરતાં વધુ છે. ધો.૧૦માં રાજ્યભરમાંથી કુલ ૭,૨૮,૦૫૯ વિદ્યાર્થિનીઓમાંથી ૭,૦૭,૮૧૧ વિદ્યાર્થિનીઓ પાસ થતાં તેમની ટકાવરી ૯૭.૨૧ટકા તો ૮,૨૧,૨૬૭ વિદ્યાર્થીઓમાંથી ૭,૭૬,૬૩૦ વિદ્યાર્થીઓ પાસ થતાં તેમની પાસિંગ ટકાવરી ૯૪.૫૬ ટકા આવી છે.

મુંબઈ વિભાગમાંથી કુલ ૩,૪૧,૧૮૪ વિદ્યાર્થીઓએ ધો.૧૦ની પરીક્ષા માટે અરજી કરી હતી. તેમાંથી ૩,૩૯,૨૬૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંના ૩,૨૫,૧૪૩ વિદ્યાર્થીઓ પાસ થતાં મુંબઈ વિભાગનું પરિણામ ૯૫.૮૩ ટકા આવ્યું છે. સામે કોંકણ વિભાગે દર વર્ષની જેમ વધુ રીઝલ્ટ મેળવવાનો ગઢ સાચવી રાખ્યો છે. મુંબઈ શહેરમાં ૧,૬૫,૪૨૩ પરીક્ષાર્થી વિદ્યાર્થિનીઓમાંથી ૧,૬૦,૩૮૧ વિદ્યાર્થિનીઓ પાસ થતાં વિદ્યાર્થિનીઓની ટકાવરી ૯૬.૯૫ ટકા તો ૧,૭૩,૮૪૬ વિદ્યાર્થીઓમાંથી ૧,૬૪,૭૬૨ વિદ્યાર્થીઓ પાસ થતાં મુંબઈમાં ૯૪.૭૭ ટકા છોકરાઓ પાસ થયાં છે. ૫૬ તૃતીયપંથીઓએ પણ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. રાજ્યભરમાં રેગ્યુલર પાસ થયેલાં વિદ્યાર્થીઓમાંથી ૫,૫૯,૧૯૨ વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસથી પાસ થયાં છે.  

આજથી પુનર્મૂલ્યાંકન માટે અરજી કરી શકાશે, 

ફેરપરીક્ષા જુલાઈ-ઑગસ્ટમાં થશે

ધો.૧૦ની પરીક્ષામાં પાસ થયેલાં વિદ્યાર્થીઓ તેમના માર્કથી અસંતુષ્ટ હોય તો તેમને માટે ગ્રેડ-ઈમ્પ્રૂવમેન્ટની સુવિધા બોર્ડે આપી છે. એ વિદ્યાર્થી કે જે તમામ વિષયમાં પાસ છે. પરંતુ માર્ક ઓછાં લાગતાં હોય તેઓ જુલાઈ-ઑગસ્ટ ૨૦૨૪ કે માર્ચ-૨૦૨૫માં થનારી પરીક્ષામાં બેસી માર્ક સુધારી શકે છે. તેમજ નાપાસ થયેલાં વિદ્યાર્થીઓ પણ ફેરપરીક્ષા આપી શકશે. આ વિદ્યાર્થીઓ ૩૧ મેથી સ્કૂલ કે સંબંધિત વિભાગીય બોર્ડને અરજી કરી શકશે. જે વિદ્યાર્થીઓ તેમના બોર્ડના પરિણામથી નાખૂશ છે. તેઓ તેમના પેપરનું પૂનર્મૂલ્યાંકન વ્યક્તિગતપણે કે શાળાના માધ્યમે કરાવી શકશે. પુનર્મૂલ્યાંકન માટેની મુદ્દત ૨૮ મેથી ૧૧ જૂન સુધીની હશે.

૯૩.૨૫ ટકા દિવ્યાંગો પાસ

મુંબઈઃ સ્ટેટ બોર્ડની પરીક્ષામાં રાજ્યના નવ વિભાગોમાંથી ૯,૧૪૯ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંના ૯,૦૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને ૮,૪૬૫ વિદ્યાર્થીઓ પાસ થતાં દિવ્યાંગોનું પરિણામ ૯૩.૨૫ ટકા આવ્યું છે.

૧૦૦ ટકા પરિણામના વૈશિષ્ટયો

મુંબઈઃ રાજ્યની ૯,૩૮૨ સ્કૂલોનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. તો ૧૮૭ વિદ્યાર્થીઓ ૧૦૦ ટકા માર્ક સાથે પાસ થયાં છે. 

ચર્નીરોડની ગુજરાતી માઈનોરિટી શાળાનું ૧૦૦ ટકા પરિણામ

મુંબઈઃ ચર્નીરોડ સ્થિત લીલાવતી લાલજી દયાલ હાઈસ્કૂલનું ગુજરાતી-અંગ્રેજી માધ્યમનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. ચર્નીરોડ વિસ્તારમાં આ એકમાત્ર સ્કૂલ છે. જ્યાં ગુજરાતી માઈનોરિટી છે. આથી તેની કૉલેજમાં પણ ૫૦ ટકા સીટ્સ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે. તેમને શાળા તરફથી ચોપડાં, યુનિફોર્મ, બૂટ-મોજાં, બસનો પાસ, બપોરનું જમવાનું તથા ધો.૫થી ૧૦ના વિદ્યાર્થીઓને માઈનોરિટી હેઠળ નિઃશુલ્ક શિક્ષણ અપાય છે. તેમાંના ૧૨૩ વિદ્યાર્થીઓ માત્ર લાતુરના અર્થાત્ ૧૦૦ ટકા લાવનારા ૬૫ ટકા વિદ્યાર્થીઓ લાતુર વિભાગના છે. ગયા વર્ષે ૧૦૮ વિદ્યાર્થીઓ ૧૦૦ ટકા માર્ક્સ સાથે પાસ થયાં હતાં. કુલ ૭૨ વિષયો માટે લેવાતી આ પરીક્ષામાં ૧૮ વિષયોનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. જ્યારે ૩૮ સ્કૂલોનું પરિણામ શૂન્ય આવ્યું છે.

વિભાગ પરિણામ

કોંકણ - ૯૯.૦૧ ટકા

કોલ્હાપુર - ૯૭.૪૫ ટકા

પુણે - ૯૬.૪૪ ટકા

મુંબઈ - ૯૫.૮૩ ટકા

અમરાવતી - ૯૫.૫૮ ટકા

નાસિક - ૯૫.૨૮ ટકા

લાતુર - ૯૫.૨૭ ટકા

છ.સંભાજી નગર - ૯૫.૧૯ ટકા

નાગપુર - ૯૪.૭૩ ટકા



Google NewsGoogle News