ધો.12નું 93.37 ટકા પરિણામ, મુંબઈ ડિવિઝન સૌથી પાછળ
સળંગ 13મે વર્ષે કોંકણ રાજ્યમાં અવ્વલ, વિદ્યાર્થિનીઓ ફરી આગળ
91.95 ટકા સાથે મુંબઈ વિભાગનું પરિણામ સૌથી ઓછું, રાજ્યભરમાંથી 8782 વિદ્યાર્થીઓને 90 ટકાથી વધુ માર્ક્સ
મુંબઈ : મહારાષ્ટ્ર બોર્ડનું ધો.૧૨નું પરિણામ મંગળવારે બપોરે એક વાગ્યે ઓનલાઈન જાહેર કરી દેવામાં આવ્યું છે. ધો.૧૨નું રાજ્યનું કુલ પરિણામ ૯૩.૩૭ ટકા આવ્યું છે. ગયા વર્ષની તુલનાએ કુલ પરિણામ ૨.૧૨ ટકા વધ્યું છે. આ વર્ષે પણ ૯૫.૪૪ ટકા પરિણામ સાથે વિદ્યાર્થિનીઓ જ આગળ રહી છે. તો પાસ થયેલાં વિદ્યાર્થીઓની ટકાવરી ૯૧.૬૦ ટકા રહી છે. રાજ્યમાં કોંકણ વિભાગ ૯૭.૫૧ ટકા પરિણામ સાથે સળંગ ૧૩મે વર્ષે અવ્વલ તો મુંબઈ વિભાગ ૯૧.૯૫ ટકા પરિણામ સાથે સૌથી છેલ્લો આવ્યો છે. રીપીટર્સ કે ખાનગી વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમનું પરિણામ ૬૬.૮૯ ટકા આવ્યું છે. જેમાં પણ ૬૯.૫૧ ટકા વિદ્યાર્થિનીઓ અને ૬૫.૨૭ ટકા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. રાજ્યભરમાં કુલ ૮૭૮૨ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધુ માર્ક મેળવ્યાં છે. રાજ્યભરમાં ૨૬ વિષયનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે.
મહારાષ્ટ્ર બોર્ડની ધો.૧૨ની પરીક્ષા ૨૧ ફેબુ્રઆરીથી ૧૯ માર્ચ ૨૦૨૪ દરમ્યાન યોજાઈ હતી. સ્ટેટ બોર્ડના પુણે, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાસિક, લાતુર અને કોંકણ એમ નવ (૯) વિભાગના કુલ ૩,૩૨૦ પરીક્ષા કેન્દ્રોએ આ પરીક્ષા થઈ હતી. તે માટે રાજ્યભરમાંથી કુલ ૧૪,૩૩,૩૭૧ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ૧૪,૨૩,૯૭૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૩,૨૯,૬૮૪ વિદ્યાર્થીઓ પાસ થતાં રાજ્યનું કુલ પરિણામ ૯૩.૩૭ ટકા આવ્યું છે. જેમાં રાજ્યભરમાંથી કુલ ૬,૫૭,૩૧૯ વિદ્યાર્થિનીઓમાંથી ૬,૨૭,૩૮૮ વિદ્યાર્થિનીઓ પાસ થતાં તેમની ટકાવરી ૯૫.૪૪ ટકા તો ૭,૬૬,૬૫૧ વિદ્યાર્થીઓમાંથી ૭,૦૨,૨૯૬ વિદ્યાર્થીઓ પાસ થતાં તેમની પાસિંગ ટકાવરી ૯૧.૬૦ ટકા આવી છે.
મુંબઈ વિભાગમાંથી કુલ ૩,૨૧,૧૧૬ વિદ્યાર્થીઓએ ધો.૧૨ની પરીક્ષા માટે અરજી કરી હતી. તેમાંથી ૩,૧૯,૯૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંના ૨,૯૪,૧૫૮ વિદ્યાર્થીઓ પાસ થતાં મુંબઈ વિભાગનું પરિણામ સૌથી ઓછું ૯૧.૯૫ ટકા આવ્યું છે. સામે કોંકણ વિભાગે દર વર્ષની જેમ વધુ રીઝલ્ટ મેળવવાનો ગઢ સાચવી રાખ્યો છે. એ પણ વાત વિચારણીય છે કે કોંકણ વિભાગમાંથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી ત્યાં કુલ પરિણામની ટકાવરી વધવી સહજ છે.મુંબઈ શહેરમાં ૧,૫૪,૨૯૮ પરીક્ષાર્થી વિદ્યાર્થિનીઓમાંથી ૧,૪૪,૭૪૨ વિદ્યાર્થિનીઓ પાસ થતાં વિદ્યાર્થિનીઓની ટકાવરી ૯૩.૮૦ ટકા તો ૧,૬૫,૬૧૨ વિદ્યાર્થીઓમાંથી ૧,૪૯,૪૧૬ વિદ્યાર્થીઓ પાસ થતાં મુંબઈમાં ૯૦.૨૨ ટકા છોકરાઓ પાસ થયાં છે.
પરિણામ ઓનલાઈન જાહેર થતાં જ સાઈટ ક્રેશ
મુંબઈઃ સ્ટેટ બોર્ડનું ધો.૧૨નું પરિણામ મંગળવારે બપોરે ૧ વાગ્યે જાહેર થયું હતું. જોકે પરિણામ જાહેર થયાંની પાંચ જ મિનીટમાં બોર્ડનું પરિણામ દર્શાવતી મુખ્ય વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. જેથી વિદ્યાર્થી, વાલીઓ ચિંતિત થયા હતાં. પરંતુ બાદમાં તુરંત પાંચ જ મિનીટમાં સાઈટ પાછી કાર્યરત થઈ હતી. જેથી વાલી-વિદ્યાર્થીઓને રાહત થઈ હતી.