પાક ગુપ્તચરો અને નેવી એપ્રેન્ટિસ ગૌરવ પાટીલ વચ્ચે 900 ચેટ્સનો પર્દાફાશ
2 યુવતીઓએ હની ટ્રેપમાં ફસાવી માહિતી મેળવી
પાયલ અને આરતી નામ આપનારી યુવતીઓ સાથે પોતે ઓનલાઈન ડેટિંગ કરે છે તેવું માની ગૌરવ ભેરવાયોઃ યુદ્ધ જહાજો, સબમરીનની વિગતો આપી
મુંબઇ : મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવૉડે (એટીએસ) પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ (પીઆઇઓ) અને હની ટ્રેપમાં ફસાયેલા આરોપી ગૌરવ અર્જુન પાટીલ વચ્ચે ૯૦૦ ચેટ શોધી કાઢી હતી. નેવલ ડોકયાર્ડના તાલીમાર્થી સિવિલ એપ્રિન્ટિસ પાટીલ દ્વારા સંવેદનશીલ માહિતી આપવાની આ ચેટસ દ્વારા માલૂમ પડે છે. ગૌરવ પાટીલને હની ટ્રેપમાં ફસાવી આ માહિતી મેળવવામાં આવી હતી.
આમ પાટીલ દ્વારા કથિત જાસૂસી વિશે ચોંકાવનારી વિગતનો પર્દાફાશ થયો છે. નૌકાદળના યુદ્ધ જહાજો વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરનારો આરોપી ગૌરવ પાટીલ ફેસબુક પર પોતાની ઓળખ પાયલ એન્જલ તરીકે આપનારી પીઆઇઓ એજન્ટની હની ટ્રેપમાં ફસાઇ ગયો હતો. આરોપી ગૌરવને જાળમાં ફસાવવા પીઆઇઓ એજન્ટ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી હતી. પીઆઇઓ એજન્ટે નૌકાદળ, યુદ્ધ જહાજો અને અન્ય બાબતમાં ઊંડો રસ દાખવીને તેને નિશાન બનાવ્યો હતો. તેમની ચેટ દરમિયાન એન્જલે ડોકયાર્ડ જેટી પરના યુદ્ધ જહાજો અને સબમરીન વિશે પૂછપરછ કરી હતી.
એન્જલે નેવલ શિપયાર્ડમાં યુદ્ધ જહાજો અને સબમરીનની હાજરી, તેના રોકાણની અવધિ બાબતે પણ પૂછપરછ કરી હતી. આ સિવાય યુદ્ધ જહાજો અને સબમરીનના પિક્ચરો શેર કર્યા હતા. બીજી તરફ ગૌરવ અન્ય એક પીઆઇઓ એજન્ટ આરતી શર્મા દ્વારા પણ હની ટ્રેપમાં ફસાઇ ગયો હતો. આરતીએ દુબઇની રહેવાસી હોવાનું કહ્યું હતું. તેણે ગૌરવનો ફેસબુક દ્વારા સંપર્ક કર્યો અને પછી વોટસએપ પર વાત કરતી હતી. આરોપી ગૌરવ બંને યુવતીને ડેટ કરી રહ્યો હોવાનું માનતો હતો અને બહુ જલ્દી તેમને મળવાની ઇચ્છા હતી. પરંતુ બંને પીઆઇઓ એજન્ટ હોવાની તેને જાણ નહોતી.
તેમણે ગૌરવને અમૂક સાધન સામગ્રીના પિક્ચર મોકલ્યા અને જહાજો- સબમરિનમાં તેમના ઇન્સ્ટોલેશન અંગે પૃષ્ટિ કરવા કહ્યું હતું. તેમજ હાથથી બનાવેલી આકૃતિઓ મોકલીને જરૃરી માહિતી સમજવામાં મદદ કરવા જણાવ્યું હતું. તેમણે જેટીમાં પાર્ક કરેલા યુદ્ધ જહાજો અને સબમરીનના રોકાણ પાછળના કારણે કયા જહાજો ટ્રાયલ રૃટમાંથી પસાર થઇ રહ્યા હતા અને અપગ્રેડ કર્યા પછીની અવધિની વિગતો માંગી હતી.
આરોપી ગૌરવે સમારકામ અને અન્ય કામ સંબંધિત પિક્ચર પણ શેર કર્યા હતા. બંને એજન્ટે તેની સાથે લાંબી વાંધાજનક વાતો કરી હતી. આરોપી ગૌરવ કોઇ એજન્સીના કહેવા પર ગેરમાર્ગે દોરકતો ન હોવાની પણ બંને એજન્ટે તપાસણી કરી હતી. આથી એન્જલ દ્વારા માંગવામાં આવેલી માહિતી થોડા દિવસ પછી શર્મા પણ માંગતી હતી. ગૌરવ નવેમ્બર ૨૦૨૨માં નેવલ ડોકયાર્ડમાં ટ્રેઇની સિવિલ એપ્રેન્ટિસ તરીકે નિયુક્ત થયો હતો. તે ગત મે, ૨૦૨૩થી ઓક્ટોબર ૨૦૨૩ વચ્ચે એન્જલ અને શર્માના સંપર્કમાં હતો.