બોરીવલી નેશનલ પાર્કમાં 9 મહેમાન છ વાઘણે 4 બચ્ચાને જન્મ આપ્યો
વાઘણે પડખું ફેરવતાં 1 બચ્ચુ દબાઇને મરી ગયું
મુંબઇ : બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં નવા મહેમાનોનું આગમન થયું છે. પાર્કની વાઘણે ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. કમભાગ્યે વાઘણે પડખું ફેરવતા એક બચ્ચુ દબાઇને મરી ગયું હતું.
નેશનલ પાર્કના ઉપસંચાલિકા રેવતી કુલકર્ણી-પાટીલે જણાવ્યું હતું કે નેશનલ પાર્કની વાઘણ (ટી-૨૪ સી-૨)એ બે દિવસ પહેલા ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. આમાંથી એક બચ્ચુ માતાના શરીર નીચે દબાઇને મૃત્યુ પામ્યું હતું. બાકીના ત્રણ બચ્ચા અને પ્રસૂતા વાઘણની વેટરનરી ડૉકટરો સંભાળ લઇ રહ્યા છે.
ચાર બચ્ચાને જન્મ આપી ચૂકેલી વાઘણની ઉંમર સાડાચાર વર્ષની છે. ૨૨મી માર્ચ ૨૦૨૨માં ચંદ્રપુર જિલ્લાના તાડોબા-અંધારી ટાઇગર સફારી ક્ષેત્રમાંથી આ વાઘણને બોરીવલીના નેશનલ પાર્કમાં લાવવામાં આવી હતી.
વાઘણના બચ્ચાનું વજન બે-બે કિલો છે. ત્રણેય બચ્ચા માતાનું દૂધ પીએ છે.