મુંબઈ પાલિકાના 9 હજાર કર્મચારીઓને માત્ર 1 રુપિયો પગાર મળ્યો
પાન અને આધાર લિંક નહીં થતાં છબરડો
ઘનકચરા વિભાગના ત્રીજા ચોથા વિભાગના કર્મચારીઓની માઠી હાલત, ઘર કેમ ચલાવવું તથા હપ્તા કેમ ભરવા તેનું ટેન્શન
મુંબઇ : મુંબઈ મહાનગર પાલિકાના ઘનકચરા વિભાગના આશરે નવ હજાર કર્મચારીઓને ૩૧મી માર્ચે પગાર સ્લીપ મળી તેમાં કુલ પગાર એક રૃપિયા જમા થયો હોવાનું દેખાતા તેઓ અચંબામાં પડી ગયા હતા.
ઘનકચરા વિભાગ (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) વિભાગના પાલિકાના મજૂરે 'એ' થી લઈને 'ટી' વોર્ડ સુધીના કામદારોની યાદી મેળવી હતી. જેમાં તે બધાને માત્ર એક રૃપિયા પગાર મળ્યો હતો.
આ વિસંગતતાનું કારણ આવકવેરા વિભાગ દ્વારા ફરજિયાત ૩૧ માર્ચ પહેલા તેમના પાન અને આધાર કાર્ડની લિંક કરવામાં નિષ્ફળ થયા હતા. અસરગ્રસ્ત કામદારો, હવે બન્ને કાર્ડને લિંક કરવા માટે દસ્તાવેજો એકમાત્ર કરવા માટે રઝળપાટ રહ્યા છે. તેઓને અગાઉથી કોઈ પણ પ્રકારની જાણકારી આપવા ન આવી હોવાથી તેઓ પાલિકાથી નારાજ છે.
પરેલમાં એફ/સાઉથ વોર્ડમાં રસ્તા સાફ કરતાં પાલિકાના કર્મચારીએ કહ્યું કે હું દર મહિને પચ્ચીસ હજાર રૃપિયા કમાઉ છું. પાલિકાએ એક મહિના પહેલા પાન કાર્ડ અને આધારકાર્ડ લિંક કરવા માટે જાણ કેમ ન કરી. અમે આખો મહિનો ઘર કેવી રીતે ઘરનું ગુજરાન ચલાવીશું. આ રીતે બધા નવ હજાર કર્મચારીઓને તકલીફ ઊભી થઈ છે.
આ સંબંધે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજોગ કાબરેએ જણાવ્યું હતું કે આ મુદ્દો એકાઉન્ટ વિભાગનો છે. મુખ્ય એકાઉન્ટન્ટ ટ્રેઝરીની ઓફિસ સાથે વાત કરી હતી. જે પગાર વિતરણનો હવાલો સંભાળે છે.
તેમની દલીલ છે કે ૩૧ માર્ચએ આધાર અને પાન કાર્ડ લિંક કરવાનો છેલ્લો દિવસ હતો. તેમણે કહ્યું કે ટીવી અને અખબારની જાહેરાતો દ્વારા બધાને આ ખબર છે. જો કાર્ડ્સ લિંક ન હોય તો પાન કાર્ડના લાભો બંધ કરવામાં આવે છે અને પગારમાંથી ૨૦ ટકા આવકવેરો કાપવામાં આવે છે. પગાર પર ટીડીએસની ૨૦ ટકા વાર્ષિક કપાતના કારણે કામદારોને આ મહિને કોઈને પૈસા મળ્યા નથી.
કાબરેએ ઉમેર્યું હતું કે તેમના કાર્ડ તાત્કાલિક લિંક કરવાની જરૃર છે. નાણાં વિભાગે આપેલી જૂન ૨૦૨૩ની સમયમર્યાદા લગભગ એક વર્ષ લંબાવી હતી.
કાર્ડ લિંક કરાવવાની વ્યક્તિગત જવાબદારી હતી. હવે બે કાર્ડ લિંક કર્યા બાદ કામદારોના પગારની ભરપાઈ થશે કે કેમ તે આવકવેરાના નિયમો પર આધારિત હોવાનું તેમણે જણાવ્યું હતું.