નાગપુરમાં ફૂટપાથ પર સૂતેલા 9 લોકો કાર હેઠળ કચડાયા, 2 મહિલાનાં મોત
નશામાં ધૂત વિદ્યાર્થીએ ફૂટપાથ પર કાર ચઢાવી દીધી
રમકડાં વેચવા 2 મહિના પહેલાં જ નાગપુર આવેલો પરિવાર મધરાતે ફૂટપાથ પર નિંદ્રાધીન હતો ને કાર ફરી વળી, 7 ઘાયલ
મુંબઇ : નાગપુરમાં દારૃના નશામાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ પૂરપાટ કાર દોડાવીને ફુટપાથ પર સૂતેલા નવ જણને અડફેટમાં લીધા હતા આ દુર્ઘટનામાં બે મહિલા મોતના મુખમાં ધકેલાઇ ગઇ હતી. જ્યારે સાતને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે. નાયબ મુક્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેસની ઝીણવટભરી તપાસનો આદેશ આપ્યો હતો.
વાઠોડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે નાગપુરમાં દીઘોરી ટોલ નાકા પાસે ગઇકાલે રાતે ૧૨.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. કાર ચાલક ભૂષણ લાંજેવાર તેના મિત્રો સાથે કારમાં જઇ રહ્યો હતો. તેઓ નશામાં હતા. આરોપી ભૂષણે કાર પરથી કાબૂ ગુમાવતા ફૂટપાથ પર સૂતેલા કાંતીબાઇ બાગડિયા (ઉ.વ.૪૨) સીતારામ બાગડિયા (ઉ.વ.૩૦), કવિતા બાગડિયા (ઉ.વ.૨૮) આઠ વર્ષીય બલકુ બાગડિયા, ત્રણ વર્ષીય હસીના બગડિયા, બે વર્ષીય સકીના બાગડિયા, હનુમાન બાગડિયા (ઉ.વ.૩૫) વિક્રમ બાગડિયા ઉ.વ.૧૦)ને કચડી દીધા હતા.
કારની અડફેટમાં આવતા નવ જણને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ કાંતીબાઇ અને સીતારામનું મોત નિપજ્યું હતું.
અકસ્માતમાં બચી ગયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે અમારો પરિવાર આઠ મહિના પહેલા નાગપુર આવ્યો હતો. તેઓ રમકડા વેચતા હતા. ગઇકાલે રાતે જમ્યા બાદ ફૂટપાથ પર સૂઇ ગયા હતા ત્યારે કારે ટક્કર મારી હતી. પછી ડ્રાઇવરે કાર રિવર્સમાં લેતા વધુ ઇજા થઇ હતી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્દ ફડણવીસે આ ગુનાની ઝીણવટભરી તપાસનો આદેશ આપ્યો હતો. આરોપીઓને કડક સજા થવી જોઇએ પોલીસે નાઇટ પેટ્રોલિંગ અને ડ્રન્ક એન્ડ ડ્રાઇવ ઝુંબેશમાં વધુ સધન બનાવવી જોઇએ એમ ફડણવીસે કહ્યું હતું.
અકસ્માત બાદ નાસી ગયેલા આરોપી વિદ્યાર્થીને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી ભૂષણ લાંજેવાર સામે સંબંધિત કલમ હેઠળ વાઠોડ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે.
બર્થ-ડે પાર્ટી કરવા હોટેલમાં ગયા હતા
નાગપુરમાં જુદી જુદી કોલેજમાં બણતા મિત્રોનું ગુ્રપ વંશ ઝાડેના બર્થ-ડેની પાર્ટી માટે હોટેલમાં ગયા હતા. કાર સૌરભની માલિકીની હતી. પાર્ટી બાદ ભૂષણ કાર ચલાવતો હતો. અકસ્માતના સ્થળે એક લગ્નનો કાર્યક્રમ પણ હતો આથી લોકો અને વાહનોની ભીડ હતી.