છેલ્લામાં છેલ્લા સુધારા બાદ હવે મહારાષ્ટ્ર વિધાનસભા માટે 9.70 કરોડ મતદાર
ચૂંટણી પંચે તા. 30મી ઓક્ટોબરની સ્થિતિએ અપડેટ મતદાર યાદી પ્રગટ કરી
22 લાખથી વધુ યુવા પહેલીવાર મતદાન કરશેઃ 120ની વય વટાવી ગયા હોય તેવા કુલ 110 મતદારો નોંધાયા
મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કુલ ૯,૭૦,૨૫,૧૧૯ મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચે તાજેતરમાં છેલ્લી મતદાર યાદી સુધારણા હાથ ધરી હતી. તે પછી તા. ૩૦મી ઓક્ટોબરની સ્થિતિએ અપગ્રેડ થયેલી મતદાર યાદી પ્રગટ કરી છે.
નવી અપગ્રેડેડ યાદી અનુસાર કુલ ૫,૦૦,૨૨,૭૩૯ પુરુષ મતદારો તથા ૪,૬૯,૯૬, ૨૭૯ મહિલા મતદારોને આ વિધાનસભા ચૂંટણીમાં મત અધિકાર પ્રાપ્ત થશે.
આ ચૂંટણીમાં ૧૮થી ૧૯ વર્ષની વય જૂથના ૨૨.૨૨ લાખ મતદારો પહેલીવાર મતદાન કરવાને પાત્ર બન્યા છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં છેલ્લે ગત તા. ૧૯મી ઓક્ટોબર સુધીમાં મતદારોને તેમનું નામ ઉમેરવા, કમી કરાવવા કે અન્ય સુધારાવધારા કરાવવા માટે જણાવાયું હતું. તે પછી આ યાદી પ્રગટ કરાઈ છે.
અગાઉ દર વર્ષની પહેલી જાન્યુઆરીએ જેમને ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેઓ જ મતદાર તરીકે નોંધણી કરાવી શકતા હતા. પરંતુ, નવા સુધારા બાદ હવે ચૂંટણી પંચ વર્ષમાં ચાર વખત ૧૮ વર્ષ પૂર્ણ કરનારને મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરાવાની સગવડ આપે છે.
આ ફેરફારને પગલે આ ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરનારા યુવાઓની સંખ્યા વધારવામાં મદદ મળી છે એમ એડિશનલ ઈલેક્શન કમિશનર કિરણ કુલકર્ણીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રની મતદાર યાદીમાં સૌથી વધુ ૨,૧૮૧૫,૨૭૮ મતદારો ૩૦થી ૩૯ વર્ષની વય જૂથના છે. બીજી તરફ ૮૫થી ૧૫૦ વર્ષના વય જૂથમાં પણ ૧૨,૪૦,૯૧૯ મતદારો નોંધાયા છે.
ચૂંટણી પંચની યાદી અનુસાર ૧૨૦ વર્,ની વય વટાવી ગયા હોય તેવા ૧૧૦ મતદારો છે. તેમાં ૫૬ પુરુષો તથા ૫૪ મહિલાઓનો સમાવેશ થાય છે.