ઉચ્ચ શિક્ષણ હેઠળના વિવિધ પ્રોફેશનલ કોર્સેસમાં 87 ટકા એડમિશન પૂર્ણ
3 વર્ષીય લૉ અને બી.એડને હજીયે અગ્રતા
એન્જિનીયરીંગના ડિગ્રી કોર્સમાં છેલ્લાં 6 વર્ષની તુલનાએ વિક્રમી પ્રવેશ
મુંબઈ : ઉચ્ચ શિક્ષણને લગતા વિવિધ પ્રોફેશનલ કોર્સમાં આ વર્ષે ૮૭ ટકા એડમિશન થયા છે. તેમાં લૉ ૩ વર્ષ અને બી.એડ કોર્સને સૌથી વધુ વિદ્યાર્થીઓએ પસંદગી આપી છે. આ કોર્સેસમાં અનુક્રમે ૯૭ ટકા અને ૯૧ ટકા સીટ્સ પર એડમિશન થયાં છે. સ્ટેટ સીઈટી સેલે મુદ્દતવધારા બાદ હવે એડમિશનની માહિતી જાહેર કરી છે.
સીઈટી સેલ હેઠળ પ્રોફેશનલ કોર્સને વિદ્યાર્થીઓએ સારો પ્રતિસાદ આપ્યો છે. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે તમામ કોર્સ તરફ વિદ્યાર્થીઓની પસંદગી રહી છે. એન્જિનીયરીંગ ડિગ્રી એડમિશનમાં ગત છ વર્ષની તુલનાએ વિક્રમી પ્રવેશ થયાં છે. તે સાથે જ હાયર એજ્યુકેશન હેઠળ આવતાં બી.એડ, એમ.એડ, બી.પી.એડ, એમ.પી.એડ, બીએબીએસસી બીએડ, બીએડ એમએડ અને લૉ ત્રણ અને પાંચ વર્ષના કોર્સ મળી આઠેય કોર્સને પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન સારો પ્રતિસાદ મળ્યો છે.
પાંચ રાઉન્ડમાંથી હાયર એજ્યુકેશન હેઠળના આ કોર્સેસની ૮૦૬૫૫ સીટ્સમાંથી ૬૯,૭૮૨ સીટ્સ પર એડમિશન થઈ ગયાં છે. આ પ્રવેશ કુલ સીટ્સની તુલનાએ ૮૭ ટકા જેટલા છે. તેમાં સૌથી વધુ એડમિશન ત્રણ વર્ષીય લૉમાં ૨૧,૭૧ સીટ્સમાંથી ૨૦,૩૭૯ સીટ્સ પર એટલે કે ૯૭ ટકા જેટલાં થયાં છે.
સ્ટેટ સીઈટી સેલે ૨૮ સપ્ટેમ્બરથી પહેલી ઑક્ટોબર સુધી વિશેષ ઈન્સ્ટિટયૂશનલ રાઉન્ડ પર એડમિશન કર્યાં. તેમાં ૧,૭૯૧ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું. આ રાઉન્ડમાં બીએડમાં ૮૦૦, ત્રણ વર્ષીય લૉ કોર્સમાં ૫૦૭, પાંચ વર્ષીય લૉ કોર્સમાં ૩૧૭, બીપીએડમાં ૧૦૭, એમએડમાં ૪૦ અને એમપીએડમાં ૨૦ વિદ્યાર્થીઓએ એડમિશન લીધાં હોવાની માહિતી સીઈટી સેલે જાહેર કરી છે.