પ્રદૂષણ ફેલાવવા મુદ્દે નવી મુંબઈના 87 બિલ્ડરોને 1.10 કરોડનો દંડ
પ્રદૂષણ નાબુદી માટે એસઓપીનું ઉલ્લંઘન થતાં કાર્યવાહી
દંડની ભર્યા પછી પણ નિયમોનું અનુપાલન નહીં કરનારા બિલ્ડરોની સાઈટ પર 'સ્ટોપ વર્ક' નોટિસ
મુંબઇ ત - ધ્વનિ અને વાયું પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ડેવેલોપરોને અને કોન્ટ્રેકટરો માટે નવી મુંબઇમાં બહાર પાડવામાં આવેલા માપદંડોનું ઉલ્લંઘન કરનારા ૮૭ ડેવેલોપરને રૃા.૧.૪૦ કરોડનો દંડ કરાયો છે. નવી મુંબઇના બેલાપુરમાં ૧૦ સાઇટ્સ પર નેરુલમાં ૨૪, સાનપાડામાં ૧૮, વાશીમાં ૭, કોપર ખૈરણેમાં ૬, ઘણસોલીમાં ૯, ઐરોલી/દિઘામાં ૧૩ સાઇટ્સ પર પોલ્યુશન અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી નિયત કાર્યપદ્ધતિ)ના ઉલ્લંઘન માટે દંડ કરાયો હતો. પ્લોટ એરિયાના પ્રતિ ચોરસ મીટર રૃા.૫૦ના દરથી દંડ ફટકારવામાં આવ્યો હતો.
૭૨ ડેવેલોપરોએ દંડની રકમ ભરી દીધી છે, જ્યારે જેમની બાકી છે તેમને એસઓપીનું પાલન કરવા આઠ દિવસનો સમય અથવા દંડ ભરી દેવાનું કહેવામાં આવ્યું છે. કુલ રૃા.૧,૪૦,૦૪,૦૩૯ જેટલી દંડની રકમ હજુ સુધી ભેગી કરવામાં આવી છે.
ઓગસ્ટ ૨૦૨૪માં ધ્વનિ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ અને ફાઉન્ડેશન ખોદવા કરાતા વિસ્ફોટો (બ્લાસ્ટિંગ) અંગે એનએમએમસીએ ડેવેલોપરો માટે એસઓપી જાહેર કરી હતી. વાયુ પ્રદૂષણના મુદ્દે બોમ્બે હાઇકોર્ટે 'સ્યુઓ મોટો' (આપમેળે) પીઆઇએલ (પબ્લિક ઇન્ટેરેસ્ટ લિટિગેશન જાહેર હિતની અરજી) દાખલ કરી હતી અને ૧૧મી ડિસેમ્બર ૨૦૨૩મીએ ઓર્ડર જાહેર કર્યો હતો. આ ઓર્ડરને લક્ષમાં રાખીને નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)એ વિગતવાર એસઓપી તૈયાર કરી હતી. અને પહેલી ઓગસ્ટ ૨૦૨૪મીએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે અંતિમ મંજૂરી આપી હતી. એનએમએમસીની વિશેષ ટીમ દ્વારા વિવિધ સાઇટ્સનું ઇન્સ્પેકશન કરીને દંડ કર્યો હતો.
નવી મુંબઇના ટાઉનપ્લાનિંગ વિભાગના એક અધિકારીએ કહ્યું કે 'જો એસઓપીના ઉલ્લંઘનો ચાલું રહેશે તો પેનાલ્ટીની રકમ પણ વધારવામાં આવશે. વારંવાર ઉલ્લંઘન કરનારાઓને 'કામ બંધ કરો' નોટિસ આપવામાં આવશે.'