આઈઆઈટીબીમાં 85 વિદ્યાર્થીઓને એક કરોડથી વધુનાં પેકેજની ઓફર
મંદી અને છટણીના માહોલ વચ્ચે ઉચ્ચ પેકેજીસની ઓફરોનો વરસાદ
દેશવિદેશની 388 કંપનીઓએ 1340 વિદ્યાર્થીઓને ઓફર્સ આપી, સરેરાશ 24.2 લાખનું વાર્ષિક પેકેજ અપાયું
મુંબઇ : ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના કેમ્પસ પ્લેસમેન્ટ દરમ્યાન પ્રથમ તબક્કામાં ૧૩૪૦ વિદ્યાર્થીઓને દેશી-વિદેશી કંપનીઆની ઓફર મળી છે. જેમાં ૮૫ વિદ્યાર્થીઓને એક કરોડથી વધુનું પેકેજ મળ્યું છે.
પ્રથમ તબક્કામાં પહેલીથી ૨૦મી ડિસેમ્બર દરમ્યાન પ્લેસમેન્ટ ડ્રાઈવ પાર પડી હતી. તેમાં ૩૮૮ દેશી-વિદેશી કંપનીઓએ ભાગ લીધો હતો. આ પ્લેસમેન્ટમાં તેમાં પ્રિ-પ્લેસમેન્ટ ઑફર (પીપીઓ) નો પણ સમાવેશ છે. કંપનીઓએ વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત તેમજ ઓનલાઈન સંવાદ સાધ્યો છે. કુલ ૧૩૨૦ વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓએ નોકરીની તક આપી છે. ગયા વર્ષે સરેરાશ ૨૧.૮૨ લાખનું વાર્ષિક પેકેજ મળ્યું હતું. પરંતુ આ વર્ષે સરેરાશ ૨૪.૦૨ લાખનું વાર્ષિક પેકેજ વિદ્યાર્થીઓને મળ્યું છે.
એન્જિનીયરીંગ, ટેક્નોલોજી, આઈટી-સૉફ્ટવેર, ફાઈનાન્સ, બેન્કિંગ, ફિનટેક, મેનેજમેન્ટ કાઇન્સિલ, ડેટા સાયન્સ એન્ડ એનાલાઈઝિંગ, સંશોધન, વિકાસ અને ડિઝાઈન ક્ષેત્રમાં સૌથી વધુ નોકરીઓ મળી છે. કુલ ૬૩ ઈન્ટરનેશનલ ઓફર્સ મળી છે.
રાએક્સેંચર, એરબસ, એર ઈન્ડિયા, એપલ, બજાજ, આર્થર ડી લિટલ, કોહેસિટી, દ વિંચી, ડીએચએલ, ફ્યુચર ફર્સ્ટ, જીઈઆઈસીટી, ગુગલ, હૉંડા આરએન્ડ ડી, આઈસીઆઈસીઆઈ-લોમ્બાર્ડ, ઈન્ટેલ, જેગ્વાર લૅંડ રૉવર, મહિન્દ્રા ગુ્રપ, માઈક્રોસોફ્ટ, મૉર્ગન સ્ટેન્લે, મર્સિડિઝ-બેંઝ, એલએન્ડટી, પીએન્ડજી, ક્વાલકોમ, રિલાયન્સ ગુ્રપ, સેમસંગ, ટેક્સાસ ઈન્સ્ટ્રુમેન્ટ્સ, ટીવીએસ ગુ્રપ, વેલ્સ ફાર્ગો સહિતની કંપનીઓએ આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ભાગ લીધો હતો.