ડીમેટ એકાઉન્ટ ગેરકાયદે ફ્રીઝ કરવા બદલ સેબી,એનએસઈ, બીએસઈને 80 લાખનો દંડ
બંધારણીય અધિકારનો ભંગ ગણાવી બોમ્બે હાઈકોર્ટનો આદેશ
કંપનીના સંચાલનમાં અરજદાર પિતા-પુત્રની ભૂમિકા ન હોવા છતાં ડીમેટ ફ્રિઝ કરાયાં હતાં
મુંબઈ : ડિમેટ એકાઉન્ટ ગેરકાયદે ફ્રીઝ કરવાનું કૃત્ય ગેરકાયદે અને અયોગ્ય ઠેરવીને બોમ્બે હાઈ કોર્ટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ને રૃ. ૮૦ લાખનો દંડ ફટકાર્યો છે. આ કૃત્યને બંધારણીય અધિકારનો ભંગ ગણાવ્યું હતું.
ડો. પ્રદીપ મહેતા અને તેમના પુત્ર નીલ મેહતાનું ડિમેટ એકાઉન્ટ ગેરકાયદે ફ્રીઝ કરવામાં આવ્યું હતું. કોર્ટે ડિફ્રીઝીંગનો આદેશ આપતી વખતે નિરીક્ષણ કર્યું હતું કે કોઈ કાયદાની જોગવાઈ કહેતી નથી કે પ્રતિવાદીઓ અરજદારનું ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ કરી શકે છે. ઉક્ત કારણસર અમારા મતે અરજદારના ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ કરવું એ અયોગ્ય, અન્યાયકારી અને કુદરતી ન્યાયની દ્રષ્ટીએ ઉલ્લંઘન કરનારું અને ગેરકાયદે છે.
મેડિકલ પ્રેક્ટિશનર ડો. પ્રદીપ મહેતા અને તેમના પુત્ર નીલના ડીમેટ એકાઉન્ટ શ્રેનુજ એન્ડ કંપની લિ.ના પ્રમોટરોને લક્ષ્ય બનાવીને સેબીના નિર્દેશથી ફ્રીઝ કરાયા હતા.
મહેતાના ડીમેટ એકાઉન્ટ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિ.(એનએસડીએલ) દ્વારા માર્ચ અને એપ્રિલ ૨૦૧૭માં ફ્રીઝ કરાયા હતા. નિયમોનું પાલન નહીં કરતી કંપનીઓના પ્રમોટરો સામે ફરજિયાત પગલાં લેવાના સેબીના આદેશને આધારે આ પગલાં લેવાયા હતા.
કંપનીએ લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસક્લોઝર રિક્વાયરમેન્ટ (એલઓડીઆર) રેગ્યુલેશન હેઠળ જરૃરી ડિસેમ્બર ૨૦૧૬માં પૂરા થતા ક્વાર્ટર માટે ફાઈનાન્શિયલ રિઝલ્ટ સુપરત નહીં કરવા બદલ આ પગલું લેવાયું હતું. બીએસઈએ દંડ કર્યો હતો અને વધુ કાયદાકીય પગલાં લીધા હતા.
મહેતાએ પગલાંને પડકારીને જણાવ્યું હતંું કે તેને કંપનીના મેનેજમેન્ટ સાથે કોઈ સબંધ નથી અને માઈનોરિટી શેરહોલ્ડર છે અને કંપનીના ઓપરેશનમાં કોઈ ભૂમિકા નથી. સિંગાપોર રહેતો નીલ મહેતા પિતાએ શેર લીધા ત્યારે તે સગીર હતો અને તેને પણ અસર થઈ છે.
કોર્ટે આદેશમાં નોંધ્યું હતંં કે ડીમેટ એકાઉન્ટનમાં શ્રેનુજના જ નહીં પણ અન્ય કંપનીના પણ શેર હતા. આવા શેર અરજદારની મિલકત છે અને મિલકતના લાભથી વંચિત રાખતા પગલાં કાયદા અનુસાર લઈ શકાય નહીં. અરજદારે નિવૃત્તિની યોજના તરીકે શેર લીધા હતા અને આથી તેમને સખત અસર થઈ હોવાનું કોર્ટે નોંધ્યું હતું. અરજદારને છ વર્ષ સુધી આવી ગેરકાયદે પ્રવૃત્તિનો ભોગ બનવું પડયું હતું. આથી કોર્ટે નીલ પ્રદીપ મહેતાને રૃ. ૫૦ લાખ અને ડો. પ્રદીપ મહેતાને રૃ. ૩૦ લાખનું વળતર આપવાનો ત્રણેને સંયુક્ત આદેશ આપ્યો હતો. કોર્ટે અરજડદારોના ડીમેટ એકાઉન્ટમાં રહેતા તમામ શેર તાત્કાલિક અનફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો.