નાસિકમાં સળિયા ભરેલી ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતાં 8નાં મોતઃ અનેક ઘાયલ
ટેમ્પો પર લાલ કપડું કે કોઈ ભયસૂચક નિશાની ન હતી
ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા ભાવિકો ભોગ બન્યાઃ અનેક બાળકો પણ સામેલ
મુંબઈ - નાસિકમાં મુંબઈ આગ્રા હાઈવે પર દ્વારકા ફલાયઓવર ખાતે રવિવારે સાંજે ટેમ્પો અને ટ્રક વચ્ચે અથડામણ થતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. તો અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વધુમાં આ અકસ્માતને કારણે નાશિક મુંબઈ રુટ પર એક કલાક સુધી ટ્રાફિક ખોરવાયો હતો.
આ અકસ્માત રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ અયપ્પા મંદિર પાસે થયો હતો. ઘટના મુજબ, ટેમ્પોમાં ૧૬ મુસાફરો સવાર હતા. તમામ લોકો નિફાડના ધરણગાંવ ખાતે ધાર્મિક કાર્યક્રમ માટે ગયા હતા. જેમાં કાર્યક્રમ પૂર્ણ કરીને એક મહિલાનો ટેમ્પો અને એક પુરુષોનો ટેમ્પો નાસિકના સિડકો તરફ પરત ફરી રહ્યો હતો. આ તમામ મુસાફરો આંબડ વિસ્તારના રહેવાસી હતા.
મહિલા મુસાફરોનો ટેમ્પો સહ્યાદ્રીનગર પહોંચ્યો હતો. તેના થોડા સમય બાદ જ પુરુષોના ટેમ્પો દ્વારકા ચોકી ખાતે પહોંચતા ટેમ્પો ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી બેસતા ટેમ્પો લોખંડના સળિયાથી ભરેલ ટ્રકની પાછળ અથડાઈ ગયો હતો.
આ ટક્કર એટલી જોરદાર હતી કે લોખંડના સળિયા સીધા ટેમ્પોમાં સવાર કેટલાય લોકોના શરીરના અંદર ઘુસી ગયા હતા. જેથી ચેતન પવાર, સંતોષ માંડલિક, અતુલ માંડલિક, દર્શન ઘરત અને યશ ખરાત સહિત આઠ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ટેમ્પોમાં કેટલાક બાળકો પણ મુસાફરી કરી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી કરતા તમામ ઘાયલોને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.
આ અકસ્માત પહેલા ટેમ્પોની અંદર સવાર તમામ યુવાનો દ્વારા એક વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં આ તમામ યુવાનો ડાન્સ અને મજાક મસ્તી કરતા જોવા મળ્યા હતા. જો કે, ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને આવતા સમયે આ યુવાનોને અકસ્માત નડયો હતો.
આ અકસ્માતમાં ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાથી આ અકસ્માતમાં મૃત્યાંક વધી શકવાની સંભાવના છે. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરીને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
આ અકસ્માતને કારણે નાશિક મુંબઈ રુટ પર ચારથી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. જેમાં એક કલાક સુધી અહીંનો ટ્રાફિક ખોરવાયો હતો. આ બાદ ફાયર વિભાગે અસરગ્રસ્ત ટેમ્પોને હાઈવે પરથી દૂર કરતા પોલીસે થોડી જ વારમાં અહીંનો ટ્રાફિક ફરી સરળ કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રાત્રે અંધારુ હોવાથી ટેમ્પો ચાલકને ટ્રકની પાછળ કોઈ લાલ ચિહ્ન અથવા કોઈ લાલ કપડુ બહાર લટકાવેલ જોવા મળ્યું ન હતું. તેથી ટેમ્પો ચાલકને ધ્યાનમાં રહ્યું ન હતું કે ટ્રકમાં લોખંડના સળિયા ભરેલ છે. તેથી રાત્રના અંધાર અને ટ્રક ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. જો કે, આ અકસ્માતનુ ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે કેસ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.