જાલનામાં એસટી બસ અને ટેમ્પોની અથડામણમાં 8નાં મોત
બંને વાહનોનો કચ્ચરઘાણ, 17 ઘાયલ
સંતરા ભરેલા ટેમ્પોના ડ્રાઇવરે અન્ય વાહનને ઓવરટેક કરતા કાબૂ ગુમાવ્યો
મુંબઈ : મહારાષ્ટ્રના જાલનામાં આજે એસટી બસ અને ટેમ્પો ટકરાતા થયેલા ભીષણ અકસ્માતમાં આઠ મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. જ્યારે ૧૭ને ગંભીરઇજા થઇ હતી.
અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં મૃતકની સંખ્યા વધી શકે છે.
એસટી બસ બીડના ગેવરાઇથી જાલના આવી રહી હતી. જ્યારે ટેમ્પો ચાલક સંતરા લઇને જાલનાથી બીડ તરફ જઇ રહ્યો હતો. જાલનામાં અંબડથી ૧૦ કિ.મી. દૂર વડીગોદ્દી રોડ પર શહાપૂર પાસે આજે સવારે આઠ વાગ્યે અન્ય વાહનને ઓવરટેક કરવા જતા ડ્રાઇળરે ટેમ્પો પરથી કાબૂ ગુમાવ્યો હતો પછી ટેમ્પો સામેથી આવતી બસને અડફેટમાં લીધી હતી.
બસમાં ૨૫થી વધુ પ્રવાસી હતી. આ બનાવ બાદ સ્થાનિક લોકો, પોલીસ અન્ય વાહન ચાલક તેમની મદદે આવ્યા હતા. બસના કાચ તોડીને જખમીને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ આઠ જણના મોત નિપજ્યા હતા અને ૧૭ને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માત બાદ રસ્તા પર સંતરા વિખેરાયાં હતાં. સમગ્ર હાઈવે પર ટ્રાફિક પણ ખોરવાઇ ગયો હતો.
મુંબઇ પુણે એક્સપ્રેસ વે પર કાર, ટ્રક, ટેન્કર ટકરાતા એકનું મોત, બે જખમી
મુંબઇ- પુણે એક્સપ્રેસ વે પર આજે કાર, ટ્રક અને ટેન્કર ટકરાતા થયેલા અકસ્માતમાં એકનું મૃત્યુ થયું હતું અને બે જણ ઘાયલ થયા હતા.
મુંબઇ- પુણે એક્સપ્રેસ વે પર ભાત્તાણ બોગદા પાસે ત્રણ વાહનના વિચિત્ર અકસ્માતમાં દેવેન્દ્ર સિંહ રાજપૂતે જીવ ગુમાવ્યો હતો જ્યારે સૂરજ કુદળે અને અક્ષય પાટીલને ઇજા થઇ હતી. અકસ્માત વખતે ટેન્કર રસ્તા પર પલટી ખાઇ ગયું હતું.