મુંબઈ પાસે ડોમ્બિવલીમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ સાથે આગમાં 8નાં મોત
આજુબાજુની 5-6 ફેક્ટરીઓ પણ આગમાં લપેટાઈ : બાજુના શો રુમની નવી કારો સળગી ગઈઃ
સમગ્ર વિસ્તારની ઈમારતોના બારીબારણાના કાચ તૂટયાઃ બોઈલરની મંજૂરી જ ન હતી
મુંબઈ : મુંબઈ નજીકનાં ડોમ્બિવલીની એમઆઈડીસીમાં આવેલી અમુદાન કેમિકલ કંપનીના બોઈસરમાં આજે બપોરે બોઈલર ફાટતાં ભીષણ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા આઠ વ્યક્તિના મોત થયા હતા જ્યારે ૬૪ જણ ઘવાયા હતા. દુર્ઘટનાની ગંભીરતા જોતાં આગ ઠરે અને કૂલીંગ ઓપરેશન બાદ ફેકટરીમાં અંદર સુધી તપાસ કરવામાં બીજા પણ મૃતદેહો મળી આવે તથા મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ વિસ્ફોટનો અવાજ આસપાસના પાંચ કિમી સુધીના વિસ્તારોમાં સંભળાયો હતો. બોઈલર ફાટતાં ફેક્ટરીનો સળગતો કાટમાળ આજુબાજુની ફેક્ટરીઓ સુધી ઉછળતાં આસપાસની પાંચથી છ ફેક્ટરીઓ પણ આગમાં લપેટાઈ હતી અને અને ત્યાં નુકસાન થયું હતું. બાજુમાં આવેલો કારનો શો રુમ પણ આગમાં લપેટાતાં અનેક નવી નકોર કાર આગમાં ભરખાઈ હતી. વિસ્ફોટના કારણે આસપાસની કેટલીય બિલ્ડિંગોના કાચ તૂટી ગયા હતા. મહારાષ્ટ્ર સરકારે આ દુર્ઘટના બાદ રહેણાંક વિસ્તારોની નજીક આવેલી જોખમી કેમિકલ ફેક્ટરીઓ શિફ્ટ કરવાની જાહેરાત કરી છે.
ડોમ્બિવલીમાં આવેલ એમઆઈડીસીના ફેઝ ટુમાં આવેલ અમુદાન કેમિકલ કંપની છેલ્લા ઘણા દિવસોથી બંધ હતી અને થોડા દિવસો પહેલાં જ ફરીથી કામકાજ શરૃ કર્યું હતું. દરમિયાન આજે બપોરે ૧.૪૦ વાગ્યે અચાનક બોઈલરમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ પ્રચંડ વિસ્ફોટને લીધે પાંચથી છ કિમી ત્રિજ્યાનો ે વિસ્તાર રીતસર ધણધણી ઉઠયો હતો અને વિસ્ફોટ બાદ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રચંડ વિસ્ફોટના કારણે ફેક્ટરીના સ્થળે વિશાળ ખાડો પણ પડી ગયો હતો.
આ વિસ્ફોટને લીધે આસપાસની ઘણી કંપનીઓ, રહેવાસી ફલેટના બારી- બારણાના કાચ ફૂટી ગયા હતા. થોડા જ સમયમાં સમગ્ર વિસ્તાર ધુમાડાના કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયો હતો. આગની ચપેટમાં અમુદાન કેમિકલ કંપનીે બળીને ખાખ થઈ ગઈ હતી તેની સાથે સાથે આસપાસની ચાર -પાંચ કંપની તેમજ એક કારના શોરૃમમાં પણ આગ ફેલાઈ ગઈ હતી.
વિસ્ફોટની ઘટના બાદ જાણ થઈ હતી કે ફેક્ટરીએ બોઈલર માટેનું લાયન્સન મેળવ્યું ન હતું. કંપનીમાં ફેક્ટરી સેફ્ટીને લગતા અનેક નીતિનિયમોનો પણ ભંગ થયો હોવાનું જણાયું હતું. આગ લાગી ત્યારે કેટલા શ્રમિકો સંકુલમાં હતા તેની પણ કોઈને જાણ ન હતી.
આ ઘટનાની જાણ થતા જ કલ્યાણ- ડોમ્બિવલી ફાયર બ્રિગેડની વિવિધ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવવાનું કામ યુધ્ધના ધોરણે શરૃ કર્યું હતું.આગની ભીષણતાને ધ્યાનમાં રાખી કલ્યાણ (ઈ), કલ્યાણ (વે), પાલવ એમઆઈડીસી, થાણે ફાયર બ્રિગેડના જવાનો પણ ફાયર એન્જિન, વોટર અને ફોમ ટેન્કર સાથે મદદ માટે ધસી આવ્યા હતા. આગ વધારે પ્રચંડ માત્રામાં ફેલાઈ રહી હોવાથી તથા કેમિકલ આગને કાબુમાં લેવા માટે જરુરી નિષ્ણાતો ન હોવાથી એનડીઆરએફની ટીમને પણ બચાવ કામગીરી માટે બોલાવાઈ હતી.
પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ આગમાં પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવું ભારે થઈ ગયું હતું. આ આગની ચપેટમાં એક કારનો શોરૃમ પણ આવી જતા તેમાં રાખેલ ૧૦થી ૧૨ નવી કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડને આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી પણ ત્યારબાદ ફરીથી આગ ભભૂકી ઉઠી હતી. ફેક્ટરીમાં સંગ્રહ કરાયેલા કેમિકલના ડ્રમ ફાટતાં લાંબા સમય સુધી ઘટના સ્થળેથી નાના- મોટા વિસ્ફોટના અવાજો સાંભળવા મળતા હોવાનું જાણવા મળ્યું હતું. કાળા ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા ના કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આજુબાજુની બિલ્ડિંગોના લોકોએ તેમના બારી બારણાંના કાચ તૂટી ગયા હોવાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
આ ઘટનામાં ઘવાયેલા વ્યક્તિઓને અહીંની એઈમ્સ, નેપ્ચ્યુન અને ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ તથા હોસ્પિટલ ખાતે રાજકીય અને સ્થાનિક અગ્રણીઓ, પોલીસ, થાણે કલેક્ટર, કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકાના પદાધિકારીઓ તથા અન્ય એજન્સીઓના અધિકારીઓ ધસી ગયા હતા. સમગ્ર દિવસ દરમિયાન આ વિસ્તાર એમ્બ્યુલન્સની અવરજવરથી ગાજતો રહ્યો હતો.
મુખ્યપ્રધાન એકનાથ શિંદે તથા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બનાવને અતિશય ગંભીર ગણાવી મૃતકોને પાંચ લાખના વળતરની જાહેરાત કરી હતી. ઈજાગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર વેઠશે તેવી જાહેરાત કરી હતી. સીએમ શિંદેએ એમ પણ જાહેર કર્યું હતું કે રહેણાંક વિસ્તારોમાં આ પ્રકારની કેમિકલ ફેક્ટરીઓ ભારે જોખમ નોતરી શકે છે આથી આવી ફેક્ટરીઓને દૂરના વિસ્તારોાં ખસેડાશે.આ બનાવ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસના આદેશો પણ અપાયા હોવાનું તેમણે જણાવ્યુ ંહતું.