પુણેના પબમાં ડ્રગ્સ પાર્ટી કેસમાં 8ની ધરપકડ, 4 પોલીસ સસ્પેન્ડ
પબમાં વોશરૂમમાં ડ્રગ્સ લેનારા તરુણનો વીડિયો વાયરલ થયો હતો
મુંબઇ : પૂણેમાં પબમાં ડ્રગ્સ પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરતા આઠ જણની ધરપકડ કરી છે. જ્યારે ચાર પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પૂણેના ફર્ગ્યુસન કોલેજ રોડ પર આવેલા લિક્વિડ લિઝર લાઉન્જ પબ સમય મર્યાદાનું ઉલ્લંધન કરીને ગઈ કાલે સવારે પાંચ વાગ્યા સુધી ખુલ્લો હતો અને દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પૂણેમાં બાર અને પબને રાતે 1.30 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ છે.
પૂણેના પોલીસ કમિશનર અમિતેશકુમારે જણાવ્યું હતું કે 'અમે લિક્વિડ લિઝર લાઉન્જ (એલ-3)ના માલિક, કર્મચારી સહિત આઠ લોકોની ધરપકડ કરી છે. તેમની સામે કલમ 188, મહારાષ્ટ્ર પોલીસ એક્ટ, મહારાષ્ટ્ર પ્રોહિબિશન એક્ટ, સિગારેટ અને અન્ય તમાકુ પ્રોડક્ટ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટના બની ત્યારે નાઇટ ડયુટી પર હાજર શિવાજીનગર પોલીસ સ્ટેશનના એક ઇન્સ્પેક્ટર, એક આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને બે બીટ માર્શલને કેસના સંબંધમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બાદમાં ડ્રગ જેવા પદાર્થ સાથે કેટલીક વ્યક્તિને દર્શાવતા વીડિયો વિશે પૂછવામાં આવતા અન્ય પોલીસ અધિકારીએ કહ્યું કે તેઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે.
પબના વોશરૂમમાં અમુક તરુણ ડ્રગ્સનું સેવન કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. ત્યાર બાદ આળસ મરડીને ઊભી થયેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ પબને સીલ કરવામાં આવ્યો હતો.
પૂણેના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળેએ સોશિયલ મિડિયામાં એક પોસ્ટમાં જણાવ્યું હતું કે 'સસ્પેન્શનની કાર્યવાહી તાત્કાલિક કરાઈ હતી. આમ છતાં પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે કે 'તેઓ ડ્રગ્સ વિરોધી ઝુંબેશ શરૂ કરે અને તેના માટે પોલીસની અલગથી પોલીસની ટીમ બનાવવી જોઈએ. તમામ કોલેજો, પબ્સ, હોટેલો અને અન્ય શંકાસ્પદ સ્થળોની સર્ચ ઓપરેશન કરવું જોઈએ. શહેરમાં ડ્રગ્સ કેવી રીતે મળે છે તે જાણવા માટે પોલીસે મૂળ સુધી જવાની સુચના આપવામાં આવી છે.
પબ પર પથ્થરમારો કરી તોડફોડ કરાઈ
પબના ડ્રગ્સ પાર્ટીને લઈને લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે ત્યારે પતિત પાવન સંગઠનના કેટલાક સભ્યોએ આજે પબના બોર્ડને નુકસાન પહોચાડયું હતું. તેમણે પબ પર પથ્થરમારો કર્યો હતો. તેમ જ પબની બહાર રાખવામાં આવેલા ફ્લાવર પોટની તોડફોડ કરી હતી. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.
બેક ડોરથી એન્ટ્રી, સવાર સુધી ડ્રગ્સ પાર્ટી, પબમાં 80 થી 85 હજાર ફૂડ ડ્રીન્ક્સનો ખર્ચ
પૂણેના પબમાં મોડી રાતે આવેલા છોકરાઓએ પાછળના દરવાજાથી એન્ટ્રી મારી હતી. આ પહેલા અન્ય સ્થળે પાર્ટી કરીને તેઓ પબમાં આવ્યા હતા. પછી તેમણે પબમાં ફૂડ એન્ડ ડ્રિન્ક્સ માટે રૃ. 80 થી 85 હજારનો ખર્ચ કર્યો હતો. પબના વોશરૃમમાં કથિત ડ્રગ્સનું સેવન કરતા ત્રણ તરુણના ફોટો અને વીડિયો વાયરલ થયો હતો. જેના વધારે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પબના ડીબીઆરની તપાસણી કરવામાં આવી રહી છે. જેના આધારે અમુક છોકરાઓ સગીર હોવાનું કહેવાય છે. પબમાં હાજર 40 થી 50 લોકોને પોલીસ પૂછપરછ માટે બોલાવ્યા છે.
તાજેતરમાં પૂણેના પોર્શે કાર અકસ્માતને લીધે ચકચાર જાગી હતી. ૧૭ વર્ષીય તરુણો પબમાં દારૃનું સેવન કર્યા બાદ પૂરપાટ કાર દોડાવીને બાઇકને અડફેટમાં લેતા બેના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત પૂણેના અગાઉ ડ્રગ્સ ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે કરોડો રૃપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.