77 વર્ષીય વૃદ્ધાની સતત 1 મહિનો ડિજિટલ એરેસ્ટઃ 3.80 કરોડ પડાવાયા
મુંબઈમાં સંભવતઃ સૌથી લાંબી ડિજિટલ એરેસ્ટનો કેસ
મની લોન્ડરિંગ પાર્સલમાં ડ્રગનો આરોપઃ વૃદ્ધાનો વિશ્વાસ સંપાદન કરવા એકવાર ટ્રાન્સફર કરેલા 15 લાખ પાછા પણ આપ્યા
મુંબઈ - દક્ષિણ મુંબઈના ૭૭ વર્ષીય વૃદ્ધાને સાયબર ફ્રોડ કરનારી ગેંગે એક મહિના માટે 'ડિજિટલ એરેસ્ટ' હેઠળ રાખ્યા હતા. તેમ જ સાયબર ઠગોએ પોતાની ઓળખ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારી તરીકે આપી મની લોન્ડરિંગ કેસમાં વૃદ્ધાની સંડોવણી અને વિદેશમાં પાર્સલમાં મેફેડ્રોનનો જથ્થો મોકલ્યો હોવાનો આરોપ કરી રૃ. ૩.૮૦ કરોડની ખંડણી વસુલી હતી.
વૃદ્ધાને એક મહિના પહેલા અજાણી વ્યક્તિએ વોટ્સએપ કોલ કરી તેમણે તાઇવાનમાં પાર્સલમાં મેફેડ્રોન, પાંચ પાસપોર્ટ, એક બેંક કાર્ડ અને કપડા મોકલ્યા હોવાનો આરોપ કર્યો હતો.
દક્ષિણ મુંબઈમાં નિવૃત્ત પતિ સાથે રહેતી ગૃહિણીએ ફોન કરનારને કહ્યું કે 'તેમણે કોઈ પાર્સલ મોકલ્યું નથી. ત્યારે આરોપીએ કહ્યું કે 'ગુનામાં તેમના આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ કોલ કરનારે વૃદ્ધાને મુંબઈના પોલીસ અધિકારી સાથે વાત કરાવવાનું નાટક કર્યું હતું. વૃદ્ધાનું આધારકાર્ડ મની લોન્ડરિંગ કેસ સાથે લિંક હોવાનો દાવો નકલી પોલીસ અધિકારીએ કર્યો હતો.
સાયબર ઠગે વૃદ્ધાને સ્કાયપે એપ ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. પોલીસ અધિકારી તેમની સાથે વાત કરશે એટલે કોલ ડિસ્કનેક્ટ ન કરવા અને મામલાની કોઈને જાણ ન કરવાનો આદેશ આપ્યો હતો.
બાદમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ આઇપીએસ ઓફિસર તરીકે આપી વૃદ્ધાના બેન્ક ખાતાની વિગતો માગી હતી. અન્ય વ્યક્તિએ તેમને પોતાના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું.
આ ટોળકીએ ગુનામાં સંડોવણી નહીં જણાશે તો પૈસા પાછા આપવાની વૃદ્ધાને ખાતરી આપી હતી.વૃદ્ધાનો વિશ્વાસ મેળવવા તેમણે ટ્રાન્સફર કરેલા રૃ. ૧૫ લાખ સાયબર ગેંગે પરત કર્યા હતા.ત્યાર બાદ તેમણે પીડિતાને તેમના પતિ સાથે જોઇન્ટ એકાઉન્ટમાંથી તમામ રકમ ટ્રાન્સફર કરવા કહ્યું હતું.આથી વૃદ્ધાએ છ બેન્ક ખાતાઓમાં રૃ. ૩.૮૦ કરોડ ટ્રાન્સફર કર્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીએ તેમને પૈસા પાછા આપ્યા નહોતા અને ટેક્સના નામે વધુ રકમની માગણી કરી હતી. આથી ફરિયાદીને શંકા ગઈ હતી.
વૃદ્ધાએ વિદેશમાં રહેતી પુત્રીને ફોન કર્યો અને બનાવની જાણ કરી હતી. પછી સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦માં ફરિયાદ કરી હતી. જેના પગલે તપાસકર્તાઓએ વૃદ્ધાએ પૈસા ટ્રાન્સફર કરેલા આરોપીઓના છ ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. ક્રાઇમ બ્રાન્ચ આ કેસની વધુ તપાસ કરી રહી છે.