આગામી શૈક્ષણિક વર્ષમાં શાળાઓમાં 76 જાહેર રજા
આવતાં વર્ષની રજાઓનું સમયપત્રક જાહેર
રાજ્યની સ્કૂલોમાં 28 ઑક્ટોબરથી 12 નવેમ્બર દરમ્યાન દિવાળી વેકેશન રહેશે
મુંબઈ : રાજ્યની સ્કૂલામાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ની રજાઓનું નિયોજન જાહેર કરાયું છે. દોઢ મહિનાના ઉનાળુ વેકેશન અને ૧૬ દિવસના દિવાળી વેકેશન સહિત કુલ ૭૬ રજાઓ બાળકોને આ વર્ષે સ્કૂલોમાં મળવાની છે.
સ્કૂલોની આ રજામાં સરકારી ૨૦ રજા, વિભાગીય કમિશ્નર દ્વારા મંજૂર ૩ રજા અને મુખ્યાધ્યાપક સ્તરે બે રજાઓ પણ સમાવિષ્ટ છે. માર્ચ-એપ્રિલ મહિનામાં સ્કૂલોની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને પહેલી મે પૂર્વે સ્કૂલોના પરિણામ જાહેર કરી દેવાશે અને બીજી મેથી સ્કૂલોમાં વેકેશન પડી જશે.
વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશન આ વર્ષે બીજી મેથી ૧૪ જૂન સુધીનું રહેશે તો દિવાળીનું વેકેશન ૨૮ ઑક્ટોબરથી ૧૨ નવેમ્બર સુધીનું રહેશે. ચાલું શૈક્ષણિક વર્ષ પૂરું થઈ રહ્યું છે, ત્યારે જ સ્કૂલ શિક્ષણ વિભાગે આગામી વર્ષનું એકેડમિક કેલેન્ડર જાહેર કરી તેમાં આવતી રજાઓની વિગતો બહાર પાડી દીધી છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને રવિવારની રજાઓ તો ખરી જ. આથી વિદ્યાર્થીઓને સ્કૂલોમાં રજાની બાબતમાં મજા પડી જશે.