બળજબરીથી લગ્ન ટાળવા ઝારખંડથી મુંબઈ ભાગી આવેલી 7 કિશોરીઓ બચાવાઈ
મુંબઈમાં રહી કિશોરીએ વસ્ત્રો સીવતાં શીખી ગઈ ,પોલીસ પહેરા હેઠળ મોકલાઈ
કસારા લોકલમાંથી મળેલાં માત્ર 1 દિવસ પહેલાં જન્મેલાં શિશુને માતાએ સ્વીકારવાની નાપાડીઃ એક યુગલે દત્તક લઈ લીધું
મુંબઇ : ચાલુ વર્ષમાં થાણે જીઆરપીએ ૧૪૦ ગુમશુદા બાળકોને બચાવ્યા હતા. જેમાં હૃદય દ્રવિત કરી મૂકે તેવા કેટલાંક કિસ્સા બન્યા હતા. તેમાંથી કલ્યાણ સ્ટેશને ત્યજી દેવાયેલું છ મહિનાનું બાળક એક યુવાન યુગલે દત્તક લઈ લીધું , જ્યારે ઝારખંડથી ભાગીને આવેલી સાત કિશોરીઓ પણ ઓપરેશન મુસ્કાન હેઠળ બચાવી લેવાઈ હતી.
ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં છ મહિનાનો રાજીવ જ્યારે એક સદ્ધર પરિવારના યુગલે દત્તક લીધો ત્યારે કલ્યાણ રેલવે સ્ટેશન પર તહેનાત મહિલા જીઆરપી કોન્સ્ટેબલ, જ્યોતિ કાવરેએ રાહતનો શ્વાસ લીધો હતો. કાવરેને ગત ફેબુ્રઆરીમાં કસારાની લોકલમાંથી એક બેગમાં રાજીવ મળી આવ્યો હતો. ત્યારે તે માત્ર એક જ દિવસનો હતો. કાવરે અને તેના સાથીદારોએ કલાકો સુધી સીસીટીવી ફૂટેજને સ્કેન કરીને ટ્રેનમાં બેગ છોડી ગયેલી મહિલાની ઓળખ કરીને શોધી કાઢી હતી. જોકે મહિલાએ બાળક સ્વીકારવાની ના પાડી દીધી હતી. કારણકે આ બાળકનો જન્મ લગ્નેતર સંબંધમાંથી થયો હતો અને સામાજિક ડરને લીધે તે બાળકને રાખવા માગતી ન હતી.
આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે થાય તેમ રાજીવને એક બિન-સરકારી સંસ્થા દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવ્યો હતો. પરંતુ કાવરેને ચિંતા હતી કે મા-બાપ અને આથક સહાય વિના છોકરો કેવી રીતે મોટો થશે. કોન્સ્ટેબલ કાવરેએ કહ્યું હતું કે, બાળકને સારા પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યો ત્યારે હું ખૂબ જ ખુશ થઈ હતી. આમ તો અમારી પાસે ગુમ થયેલા બાળકોના ઘણા કેસ આવે છે પણ રાજીવનો કેસ ખાસ હતો. કારણ કે જ્યારે અમે તેને શોધી કાઢયો ત્યારે તે માત્ર એક દિવસનો હતો.
રાજીવ પોલીસ દ્વારા બચવાયેલા ૧૪૦ બાળકોમાંથી એક હતો. મોટાભાગના બાળકો કાં તો ઘરેથી ભાગી ગયા હતા અથવા ખોવાઈ ગયા હતા. ઘણાને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરવામાં આવ્યું હતું. જેમના પરિવારોનો પત્તો ન હોય તેવા કિસ્સામાં બાળકોને એનજીઓની દેખરેખ હેઠળ મૂકવામાં આવ્યા હતા. વરિƒ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કવાયત પાછળનો હેતુ બાળકો ભીખ માંગવાના રેકેટનો શિકાર ન બને તે સુનિશ્ચિત કરવાનો છે. જ્યારે પણ તેઓ બાળકોને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવે છે ત્યારે તેઓ સંતોષ અને આનંદની લાગણી અનુભવે છે.
ઝારખંડથી ૭ કિશોરીઓ સ્વતંત્ર જીવવા માટે નીકળી
ઝારખંડના એક આદિવાસી ગામમાં છોકરીઓને ઈચ્છા વિરુદ્ધ કિશોરાવસ્થામાં પરણાવી દેવામાં આવે છે. એવામાં ૧૨થી ૧૫ વર્ષની સાત કિશોરીઓ તેમના ભવિષ્ય વિશે ચિંતિત હતી અને તેમણે ગામ છોડીને ભાગી જવાનું સાહસ કર્યું હતું. એ પહેલાં છોકરીઓએ કામ માટે મુંબઈ ગયેલા ગ્રામજનો પાસેથી અઠવાડિયા સુધી માહિતી એકત્ર કરી હતી. તેઓએ નક્કી કર્યું કે તેઓ ભિવંડીમાં કાપડના કારખાનાઓમાં નોકરી કરશે. સ્વતંત્રતા સાથે જીવન જીવી ફેશન ડિઝાઇનર, કલાકાર, મોડેલ અથવા શિક્ષક બનશે.
છોકરીઓ તેમના પ્લાન મુજબ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મુંબઈ જતી ટ્રેનમાં ચડી હતી. કલ્યાણ સ્ટેશને ઉતર્યા પછી, છોકરીઓ પીક અવર્સમાં ટ્રેનમાં પ્રવાસીઓની ભીડ જોઈને ગભરાઈ ગઇ હતી અને સ્ટેશન પરિસરમાં ફરવા સિવાય બીજું કંઈ જ વિચારી શકી નહીં.૧૦મી જાન્યુઆરીએ, કોઈએ કલ્યાણ જીઆરપીને છોકરીઓ વિશે સૂચના આપ્યા પછી, કોન્સ્ટેબલ નીલિમા ગંગાવણેએ તેમને પ્લેટફોર્મ પાંચ પરથી શોધી કાઢી હતી. ગંગાવણેએ કહ્યું હતું કે હું તેમને પોલીસ સ્ટેશનમાં લઈ આવી અને તેમને ખોરાક અને પાણીની ઓફર કરી હતી. જો કે છોકરીઓ શરૃઆતમાં મૌન હતી પછી થોડા કલાકો બાદ વાતચીત કરી હતી. તેમને છેલ્લે સમજાયું કે તેઓએ મોટી ભૂલ કરી છે.
સાતેય છોકરીઓમાંથી માત્ર એકના પિતા ખાણકામમાં કામ કરે છે, તેને તેનું સરનામું યાદ હતું, જેના આધારે કલ્યાણ જીઆરપીએ ઝારખંડ પોલીસને જાણ કરી હતી. પરંતુ ગામ એટલું દૂર હતું કે જીઆરપીને ગામના મુખીનો સંપર્ક નંબર મેળવવામાં ત્રણ દિવસ લાગ્યા હતા. સાત દિવસના સતત પ્રયત્નો પછી આખરે જ્યારે પિતા પુત્રીની વાત થઈ, ત્યારે પિતાએ પુત્રીને તેની મરજી વિરુદ્ધ લગ્ન નહિ કરાવે અને તેને ભણાવશે તેવું વચન આપ્યું હતું. તેણે જીઆરપીને એ પણ જાણ કરી હતી કે તમામ છોકરીઓના માતા-પિતા એટલા ગરીબ છે કે તેઓ તેમને પરત લેવા માટે મુંબઈ નહિ આવી શકે તેથી પોલીસને તેમણે મદદ માટે વિનંતી કરી હતી.
આ દરમિયાન છોકરીઓને ઉલ્હાસનગરની સરકારી કન્યા છાત્રાલયમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેઓ ગાઉન અને ફેન્સી ડ્રેસ બનાવવાનું શીખ્યા હતા. તેમને ઘરે પાછા લઈ જવા માટે પોલીસ એસ્કોર્ટની ગોઠવણ કરવામાં આવે તેટલા સમયમાં એક છોકરીનએ મુંબઈ-શૈલીની વાનગીઓ રાંધવાનું શીખી લીધું હતું. ગંગાવણેએ કહ્યું હતું કે, છોકરીઓ મુંબઈમાં એક મહિના સુધી હતી, આટલા ટૂંકા ગાળામાં તેઓ ઘણું શીખીને ગઈ છે. અમને તેમનો ઉત્સાહ અને મહત્વાકાંક્ષા જોઈને આનંદ થયો હતો.