જેઈઈ મેઈન્સમાં મહારાષ્ટ્રના 7 વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાને ઝળક્યાં
આ વર્ષે જેઈઈ એડવાન્સનો કટઓફ સ્કોર 93.23 પર્સન્ટેજ, ગયા વર્ષથી 3 ટકા વધુ
મુંબઈ : નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન - મેઈન્સનું પરિણામ ગુરુવારે જાહેર કર્યું છે. જેમાં જેઈઈ મેઈન્સ ૨૦૨૪માં મહારાષ્ટ્રના સાત વિદ્યાર્થીઓએ ૧૦૦ ટકા માર્ક્સ મેળવ્યા છે.
મહારાષ્ટ્રમાંથી નીલકૃષ્ણ ગજરે, દક્ષેશ મિશ્રા, આર્યન પ્રકાશ, મોહમ્મદ સુફિયાન, વિશારદ શ્રીવાસ્તવ, પ્રણવ પાટીલ અને અર્ચિત પાટીલ આ સાત વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નીલકૃષ્ણ ગજરે એ એક ખેડૂતનો દીકરો છે.
એનટીએ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, સંપૂર્ણ દેશભરમાંથી ૫૬ વિદ્યાર્થીઓએ ૧૦૦ ટકા માર્ક્સ મેળવ્યા છે. તેમાં સૌથી વધુ તેલંગણાના ૧૫ વિદ્યાર્થીઓ છે. જેથી આ વર્ષે જેઈઈ એડવાન્સનો કટઓફ સ્કોર ૯૩.૨૩ છે, જ્યારે ગયા વર્ષે આ સ્કોર ૯૦.૭ હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જેઈઈ મેઈન્સ જાન્યુઆરી અને જેઈઈ મેઈન્સ એપ્રિલ પરીક્ષાના સર્વશ્રેષ્ઠ સ્કોરને આધારે જેઈઈ મેઈન્સ ૨૦૨૪નો મેરિટ સ્કોર જાહેર કર્યો છે. આ પરીક્ષા હિંદી, અંગ્રેજી, આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તામિલ, તેલુગુ અને ઉર્દૂ સહિત ૧૩ ભારતીય ભાષામાં આયોજિત કરાઈ હતી.