કોલ્હાપુરમાં બેફામ કારની 7 લોકોને ટક્કર : ખુદ કાર ચાલક સહિત ૩નાં મોત

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
કોલ્હાપુરમાં બેફામ કારની 7 લોકોને ટક્કર : ખુદ કાર ચાલક સહિત ૩નાં મોત 1 - image


૩ બાઈક હવામાં ઉછળતી હોવાનો વીડિયો વાયરલ

શિવાજી વિદ્યાપીઠના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલરને ચાલુ કારે ચક્કર આવતાં અકસ્માત સર્જાયો

મુંબઈ : પુણેમાં બનેલી હીટ એન્ડ રનની ઘટના તાજી છે ત્યાં હવે કોલ્હાપુરમાં બનેલા એક ભીષણ અને દર્દનાક અકસ્માતમાં પૂરપાટ વેગે બેકાબૂ બનેલી કારે સાત જણને અડફેટમાં લીધા હતા. જેમાં કારચાલક સહિત ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 

આ ઘટના કોલ્હાપુરના સાયબર ચોક વિસ્તારમાં બની હતી. આ ઘટનાને લીધે ખળભળાટ મચી ગયો હતો. શિવાજી વિદ્યાપીઠના ભૂતપૂર્વ એકટીંગ વાઈસ ચાન્સેલર વસંત મારુતી ચવ્હાણની કારે આ અકસ્માત સર્જયો હતો. જેમાં તેમનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં મોટાપાયે વાયરલ થયો હતો . એવું કહેવાય છે કે ચવ્હાણને કાર ચલાવતી વખતે અચાનક ચક્કર આવતા આ અકસ્માત સર્જાયો હતો.

આ સંદર્ભે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દરરોજની જેમ કોલ્હાપુરના સાયબર ચોકમાં જનજીવન ચાલુ રહ્યું હતું અને ચોકમાં ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો હતો. ત્યારે અત્યંત તેજ ગતિથી બેકાબૂ બનેલી વસંત ચવ્હાણની કાર રાજારામપુરીથી આવી હતી અને જંકશન પરથી ધીમી ગતિએ પસાર થઈ રહેલી ત્રણ બાઈકને અડફેટમાં લીધી હતી.

આ ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય બાઈક હવામાં ઉછળી હતી અને તેના પર સવાર લોકો હવામાં ફંગોળાઈ દૂર જઈને પડયા હતા. લોકો કાંઈ સમજે તે પહેલાં જ આંખ સામે બની ગયેલી આ ઘટનામાં ગંભીર ઈજા પામેલા બે જણે ત્યાં જ દમ તોડી દીધો હતો જ્યારે આ ઘટનામાં કાર ચલાવતા વસંત ચવ્હાણનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં ચાર જણ ગંભીર ઈજા પામતા તેમને તાત્કાલિક પાસેની સીપીઆર અને સીટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં હર્ષદ પાટીલ (૧૬), ૧૯ વર્ષનો એક તરુણ (નામ જાણી શકાયું નથી) અને કારના ચાલક વસંત ચવ્હાણનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચવ્હાણને કાર ચલાવતી વખતે અચાનક ચક્કર આવી ગયા હતા અને તેમણે કાર પરનું નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ચવ્હાણને અન્ય કોઈ બીમારી હતી કે તેની પોલીસ વધુ તપાસ તેમના પરિવારજનોને મળી કરી રહી છે.



Google NewsGoogle News