7 પ્રોજેક્ટનું જોઈન્ટ ઈન્સ્પેકશન કરવા પાલિકા, પ્રદૂષણ બોર્ડને આદેશ
શહેરમાં હવાની ગુણવત્તા સુધરી પણ સંતોષકારક નથીઃ હાઈકોર્ટ
નિયમભંગ થતો હોય તો કાનૂની પગલાં લેેવા પાલિકા , એમપીસીબીને તાકીદઃ દિલ્હી-એનસીઆર જેવો કાયદો તૈયાર કરવા સૂચન
અધિકારીઓ શિયાળુ સત્રમાં વ્યસ્ત હોવાની સરકારની દલીલથી હાઈકોર્ટ નારાજ, આનાથી વધુ અગત્યનું બીજું શું છે
મુંબઈ : મુંબઈમાં હવાની ગુણવત્તાનો આંક (એક્યુઆઈ) સુધર્યો છે પણ સંતોષકારક નથી, એમ બોમ્બે હાઈ કોર્ટે સોમવારે જણાવીને સરકારને આ મુદ્દે અંતિમ ઉકેલ લાવવા વિસ્તૃત યોજના તૈયાર કરવા જણાવ્યું છે.
મુખ્ય ન્યા. ડી. કે. ઉપાધ્યાય અને ન્યા. કુલકર્ણીની બેન્ચે સરકારને આ મુદ્દો ગંભીરતાથી લેવા જણાવ્યું હતું કેમ કે લાખો લોકો વાયુ પ્રદૂષણથી પીડાય છે. કોર્ટે અખબારી અહેવાલની નોંધ લીધી હતી કે સાત પ્રકલ્પ વાયુ પ્રદૂષણ વધારે છે, જેમાં બાંદરા અને ખારમાં રસ્તાના કોંક્રીટીકરણનું કામ, બીકેસીમાં બુલેટ ટ્રેનનું સ્થળ, વર્સોવા-બાંદરા સીલ લિંક પ્રોજેક્ટ, મુંબઈ મેેટ્રો-૩, મુંબઈ કોસ્ટલ રોડ અને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડના પ્રાક્જેક્ટનો સમાવેશ થાય છે.આ સ્થળોએ મોટા પ્રમાણમાં બાંધકામ સામગ્રી અને કાટમાળના ઢગલા ખુલા મૂકી દેવાતા હોવાની કોર્ટે નોંધ લીધી હતી.
કોર્ટે આ સાત સ્થળે મુંબઈ મહાપાલિકા અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી)ને સંયુક્ત નિરીક્ષણ કરવા અને તાત્કાલિક જરૃરી પગલાં લઈને આદેશ આપીને નિયમોનું પાલન થાય તેની તકેદારી લેવા જણાવ્યું છે. જો આ સ્થળોએ નિયમો પાળવામાં આવતા ન હોય તો કાનૂની પગલાં લેવાનું પણ કોર્ટે જણાવ્યું છે. કોર્ટે નોંધ કરી હતી કે હવાની ગુણવત્તા હજી મધ્યમ છે જે દર્શાવે છે કે આવી ગુણવત્તા લોકામાં હૃદય અને ફેફસાંની બીમારી તથા બાળકો અને વયસ્કોમાં શ્વાસની સમસ્યા ઊભી કર્યા કરશે.
આખા શહેરમાં વાયુની ગુણવત્તા ૫૦થી નીચે લાવવા સંયુક્ત પ્રયાસો થવા જોઈએ. ૫૦થી ઉપરની ગુણવત્તા સારી નથી. આ મુદ્દાને નિયમિત રીતે હાથ ધરવા કાનૂની ઓથોરિટી જરૃરી છે. આખા મુંબઈ માટે આપણે વ્યાપક યોજના કરવી જરૃરી છે. તમારે અંતિમ ઉપાય કે યંત્રણા તૈયાર કરવી જરૃરી છે જેથી અમારે દર છ મહિને હસ્તક્ષેપ કરવો પડે નહીં, એમ સરકારને આ દિશામાં પ્રક્રિયા શરૃ કરવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.
વરિષ્ઠ સરકારી અધિકારીઓ નાગપુર શિયાળુ સત્રમાં વ્યસ્ત હોવાનું એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે કોર્ટને જણાવતાં કોર્ટે સવાલ કર્યો હતો કે આનાથી વધુ ગંભીર કોઈ પરિસ્થિતિ હોય તેવું તમન લાગે છે ? લાખો લોકો રોજ ભોગવે છે. હવે તો ગંભીર બનો. છેલ્લા આઠથી દસ દિવસ ધુમ્મસ છે પણ એ ધુમ્મસ નથી, એમ ન્યા. કુલકર્ણીએ જણાવ્યું હતું.
દિલ્હી અને આસપાસના વિસ્તારો માટે કેન્દ્રના કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એક્ટ તૈયાર કર્યો છે એના જેવો કાયદો લાવવા સરકારે વિચારવું જોઈએ. સરાફે આ બાબત સરકાર સમક્ષ રજૂ કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. કોર્ટે એમપીસીબી અને કેન્દ્રના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સોગંદનામું નોંધાવીને હવાની ગુણવત્તા કઈ રીતે મપાય છે અને મશીનો પુરતા છે કે નહીં એનો ખુલાસો કરવા કહ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે ગયા મહિને પોતે સ્થાપિત કરેલી નિષ્ણાતોની સમિતિ પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે અને સમયાંતરે અહેવાલ રજૂ કરશે. કમિટીએ કરેલા સૂચનને સરકારે વિચારણામાં લઈ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે, એમ કોર્ટે જણાવ્યુંહતું. કોર્ટે સુનાવણી છઠ્ઠી ફેબુ્રઆરી પર રાખી છે.