મુંબઇ વિભાગમાંથી 7 લાખ વિદ્યાર્થીઓ ધો. 10-12ની બોર્ડની પરીક્ષા આપશે
મંગળવારથી ધો.૧૨ની પરીક્ષા શરૃ થશે
મુંબઇના સૌથી વધુ વિદ્યાર્થીઓ થાણે જિલ્લામાંથી પરીક્ષા આપશે
મુંબઈ - મંગળવારથી ધો.૧૨ની અને ત્યારબાદના અઠવાડિયે ધો.૧૦ની પરીક્ષા શરૃ થઇ રહી છે. આ પરીક્ષા માટે મુંબઇમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધો. ૧૦, ૧૨ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે સારો વધારો જોવા મળ્યો છે.
આ વર્ષે મુંબઇ વિભાગમાંથી ૩,૩૮,૪૭૮ વિદ્યાર્થીઓ ધો. ૧૨ની અને ૩,૫૮,૮૫૪ વિદ્યાર્થીઓ ધો. ૧૦ની પરીક્ષા આપવાના છે. કુલ સાત લાખ વિદ્યાર્થીઓ મુંબઇ વિભાગમાંથી બોર્ડની પરીક્ષા આપશે.
મુંબઇ ડિવિજનલ બોર્ડમાં થાણે, રાયગઢ, પાલઘર તેમજ સમગ્ર મુંબઇનો સમાવેશ છે. ધો. ૧૨ના રેગ્યુલર અને પુનઃ પરીક્ષાર્થી મળી કુલ ૩,૩૮,૪૭૮ વિદ્યાર્થીઓમાંથી સર્વાધિક વિદ્યાર્થીઓ થાણે જિલ્લાના છે. જ્યાં ૧,૩૭,૭૧૮ વિદ્યાર્થી બારમાની પરીક્ષા આપશે. રાયગઢમાંથી ૩૧,૮૦૮, પાલઘરમાંથી ૫૨,૫૨૨ અને દક્ષિણ મુંબઇમાંથી ૩૯,૬૨૬, પૂર્વ ઉપનગરોમાંથી ૬૯,૭૩૫ અને ઉત્તર મુંબઇમાંથી ૪૧,૮૦૬ વિદ્યાર્થી પરીક્ષા આપશે. કોમર્સમાં સર્વાધિક ૧,૬૩,૯૬૫ વિદ્યાર્થી, સાયન્સમાં ૧,૨૫,૨૪૦ અને આર્ટસમાં ૪૫,૪૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.